રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી કપાસના પાકનો સોથ બોલી ગયો
ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને તાકીદે સર્વે કરવા રજુઆત
રાજકોટ જિલ્લામાં તા. 24થી 30 ઓગષ્ટ દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોના કપાસના પાકનો સોથ વળી જવાની સાથે અન્ય પાકોને પણ વ્યાપક નુકશાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ પાકના નુકસાનીનો તાકીદે સર્વે કરવા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સોમવારે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી આર્થિક વળતર ચૂકવવા માંગ કરવામાં આવી હતી.
ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વધુમાં વધુ કપાસનું વાવેતર કરવામાં આવે છે અને કપાસએ ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત છે ત્યારે અતિભારે વરસાદમાં કપાસને પારાવાર નુકશાન ગયેલ છે અને મોટા ભાગનો કપાસ સંપૂર્ણ નાશ પામેલ છે, એ સિવાય તુવેર, શાકભાજી, અને લીલાચારાને પારાવાર નુકશાન ગયેલ છે, ત્યારે ઝડપથી અને જમીની લેવલની સર્વે કામગીરી કરીને વ્હેલમાં વહેલી તકે ખેડૂતોને નુકશાન સહાય ચુકવવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે.
વધુમાં ચોમાસુ પાકમાં નુકશાન સહન કરનાર ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાકને વધારે પ્રાધાન્ય આપે, એ હેતુથી ખેડૂતોને પૂરતી વીજળી તેમજ ખેતીને નુકશાન કરતા જંગલી જાનવરો રોઝ, ભૂંડ અને ખૂંટના ત્રાસની વારંવાર રજૂઆત કરવા છતાં, હજી સુધીમાં સરકાર દ્વારા કોઈ પણ જાતના પગલા લીધેલ નથી, તો તાત્કાલિક સરકાર આનો રસ્તો કાઢે અને ખેડૂતોને સંપૂર્ણ સુવિધા મળે, ટાઈમે વીજળી મળે, નુકશાનીનું વળતર મળે અને ખેતઉત્પાદનોના યોગ્ય ભાવ મળે, તેવી મુખ્ય માંગણીઓ કરી હતી.
ખેડૂત હિત રક્ષક સમિતિ રાજકોટ વતી રમેશભાઈ હાપલિયા (પડધરી) ઠાકરશીભાઈ પીપળીયા, ભાવેશભાઈ રૈયાણી, ભૂપતભાઈ કાકડિયા, હસુભાઈ મૂંગરા, કિશોરસિંહ જાડેજા, હરેશભાઈ પાંભર (લોધિકા) લક્ષ્મણભાઇ શીંગાળા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતોએ તાકીદે ખેડૂતોની માંગનો યોગ્ય નિકાલ કરવા માંગ કરી માંગ નહીં સંતોષાય તો ઉગ્ર અંદોલનની ચીમકી પણ આપી હતી.