અકસ્માતમાં ક્લેઇમની રકમ ન ચુક્વનાર જસદણના પૂર્વ નગરસેવક સામે ગુનો નોંધાયો
રાજકોટમાં રિક્ષા અને કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું’તું : વળતર ન ચૂકવતા જમીન જપ્ત કરવાની દરખાસ્ત કરતાં તે અન્યના નામે કરી નાખી
રાજકોટમાં અકસ્માત ક્લેઇમની રકમ ન ચુકવી જપ્ત થાય તેવી મિલકત ટ્રાન્સફર કરી નાખતા જસદણના પૂર્વ નગરસેવક મીઠા છાયાણી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. કોર્ટે જ આ ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો. જેથી કોર્ટના રજીસ્ટાર જ ફરિયાદી બન્યા છે.
માહિતી મુજબ યુનિવર્સિટી પોલીસ મથકે રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના રજીસ્ટ્રાર અર્ચનાબેન રોબીનભાઈ ઠાકરે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં જસદણના પૂર્વ નગરસેવક મીઠા છાયાણનું નામ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2013ની સાલમાં રાજકોટમાં દુધની ડેરી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં રિક્ષામાં બેસેલા સુરેશભાઈ ચાઉંનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના વારસદારોએ રાજકોટ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં કલેઈમ કેસ કરી વળતર મેળવવા માટે કેસ દાખલ કર્યો હતો.કારનો વીમો નહોતો. જેથી કોર્ટે રૂ.30,58,616 વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૂ.55,46,094 ચુકવવા કારના કબ્જેદાર અને માલિકને કોર્ટે હુકમ કર્યો હતો.કાર માલિક તથા કબ્જેદારે કોર્ટમાં રકમ જમા ન કરાવી હતી. જેથી વારસદારોએ વસુલી માટે દરખાસ્ત કોર્ટમાં દાખલ કરેલ અને કાર માલિક જસદણના પૂર્વ નગરસેવક મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીની ખેતીની જમીન ટાંચમાં લેવાની અરજી કરવામાં આવેલ હતી. અરજી સામે મીઠાભાઈ છાયાણીએ ચાલુ કેસમાં પોતાની મિલ્કત વેચાણ કે ટ્રાન્સફર કરશે નહી તેવી બાંહેધરી કોર્ટ – સમક્ષ આપી હતી.છતાં તેને જમીન વેચી નાખતા કોર્ટના હુકુમ બાદ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.