જામનગરમાં વેપારીના ઘરમાંથી ૧૧ લાખ રોકડની ચોરી
મકાનને તાળું મારી વેપારી પાંચ દિવસ બહાર ગયા ત્યારે તસ્કરે કળા કરી: સીસીટીવીમાં કેદ
જામનગર શહેરમાં વીમાર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતાં વેપારી વૃદ્ધના પાંચ દિવસ બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરોએ રૂા.૧૧ લાખની રોકડની ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. પોલીસે ગુનો નોંધી એફએસએલ અને સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ કરી છે.
જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતાં રમેશભાઈ નામના વૃદ્ધ વેપારી તેમના પરિવાર સાથે સાતમ આઠમના તહેવાર દરમિયાન બહારગામ ફરવા ગયા હતાં. અને પાંચ દિવસ બંધ રહેલાં મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ બનાવી મકાનના તાળા તોડી કબાટમાં રાખેલી રૂા.૧૧ લાખ રોકડા ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ બહારગામથી પરત ફરેલા વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ૧૧ લાખની રોકડ રકમ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કોડ તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે, માતબર રકમની ચોરીમાં કોઇ જાણભેદું હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને એક તસ્કર સીસીટીવીમાં કેદ થતાં તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.