ખાંડના ભડકે બળતા ભાવ પાછળનું આ છે અસલી અને કડવું અર્થશાસ્ત્ર!
ખાંડના વધતા ભાવ ડાયાબીટીસને ઓછું કરશે. આવી બેજવાબદારી ભરેલા નફફટ વિધાનો નેતા આપ્યા કરશે. પણ આપણી સાથે શું ગેમ રમાઈ રહી છે એ આપણને ખબર છે? આપણે કરિયાણાની દુકાને જઈને ખાંડનો વધેલો ભાવ સાંભળીને આઘાત પામીએ છીએ. આપણને લાગે છે કે વેપારીઓ સંગ્રહખોરી કરી રહ્યા છે, તહેવારોની માંગ વધી છે, અથવા કદાચ આ વર્ષે ઓછો વરસાદ પડ્યો એટલે શેરડીનો પાક નિષ્ફળ ગયો છે. પણ બજારના અર્થશાસ્ત્રનું સત્ય કંઈક અલગ જ અને અઘરું છે. આપણી થાળીમાંથી ગાયબ થઈ રહેલી ખાંડ વાસ્તવમાં તમારી કારના પેટ્રોલની ટાંકીમાં જઈ રહી છે! દુનિયાભરમાં અત્યારે ફૂડ વર્સિસ ફ્યુઅલ એટલે કે અનાજ વિરુદ્ધ ઈંધણનું એક ભયાનક આર્થિક યુદ્ધ ચાલી રહ્યું છે. ખાંડ મોંઘી થવા પાછળ કોઈ કાળું બજાર નહીં, પણ સરકારની ઈથેનોલ પોલિસી અને કોર્પોરેટ નફાખોરી જવાબદાર છે.
જ્યારે પણ કોઈ દેશની અર્થવ્યવસ્થામાં મેક્રો લેવલ પર કોઈ મોટો નીતિગત ફેરફાર થાય છે, ત્યારે તેનો પહેલો અને સૌથી મોટો ફટકો સામાન્ય માણસના રસોડા પર પડે છે. ખાંડના કિસ્સામાં બરાબર આવું જ બન્યું છે. ખાંડના ભાવ વધારાની શરૂઆત ખેતરથી નહીં, પણ પેટ્રોલ પંપથી થઈ છે.
પેટ્રોલની ટાંકીમાં શેરડીનો રસ: ઈથેનોલ બ્લેન્ડિંગની માયાજાળ
ભારત દુનિયાનું સૌથી વધુ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) આયાત કરતો દેશ છે, જેમાં આપણા અબજો ડોલર વિદેશ જતા રહે છે. આ આયાત ઘટાડવા માટે ભારત સરકારે એક ‘માસ્ટરસ્ટ્રોક’ માર્યો: પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનું શરૂ કર્યું, જેને ઈથેનોલ બ્લેન્ડિંગ કહેવાય છે.
આ ઈથેનોલ મુખ્યત્વે શેરડીના રસ અને મોલાસીસ (ગોળની પાઈ) માંથી બને છે. સરકારે લક્ષ્યાંક રાખ્યો છે કે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવું. આ નીતિ દેશના વિદેશી હૂંડિયામણ બચાવવા માટે બહુ સારી છે, પણ તેની સીધી અસર આપણી રસોઈ પર પડી રહી છે. સુગર મિલોએ ખાંડ બનાવવાનું ઘટાડીને શેરડીનો બધો જ રસ સીધો ઈથેનોલ બનાવવા તરફ વાળી દીધો છે. જ્યારે શેરડીનો રસ ખાંડના પ્રોડક્શનને બદલે ફ્યુઅલ પ્લાન્ટમાં જતો રહે અને બજારમાં ખાંડનો સપ્લાય જ ઘટી જાય, ત્યારે સ્વાભાવિક છે કે તેના ભાવ આસમાને પહોંચવાના જ છે.
સુગર મિલોનું પ્રોફિટ મેથમેટિક્સ
સવાલ એ થાય કે સુગર મિલના માલિકો ખાંડ કેમ નથી બનાવી રહ્યા? કારણ કે ખાંડ બનાવવામાં અને વેચવામાં તેમને હવે કોઈ ખાસ આર્થિક ફાયદો દેખાતો નથી. જો તેઓ ખાંડ બનાવે, તો તેમણે તેને ગોડાઉનમાં સાચવવી પડે, બજારના ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે, પેકેજિંગનો ખર્ચ ભોગવવો પડે અને વળી સરકારના એક્સપોર્ટ નિયંત્રણો સહન કરવા પડે.
તેની સામે ઈથેનોલનો બિઝનેસ એકદમ રોકડો છે. સરકારની જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સીધા જ સારા અને નિશ્ચિત ભાવે ઈથેનોલ ખરીદી લે છે. મિલોને સરકાર તરફથી સબસિડી મળે છે અને તરત જ કેશ ફ્લો (નગદ રોકડ) હાથમાં આવે છે. મૂડીવાદનો સીધો નિયમ છે કે જ્યાં વધુ અને ઝડપી નફો મળે, મૂડી ત્યાં જ વહેશે. એટલે જ આજે ખેડૂતની શેરડીનો પાક સીધો ફેક્ટરીના બોઈલરમાં જઈને વાહનોનું ઈંધણ બની રહ્યો છે, અને કરિયાણાની દુકાનોમાં સસ્તી ખાંડ ગાયબ છે.
માણસનું પેટ વિરુદ્ધ મશીનની ભૂખ: એક દાર્શનિક સંકટ
આખી ઘટનાનો સૌથી મોટો દાર્શનિક અને સામાજિક વિરોધાભાસ અહીં સર્જાય છે. પૃથ્વી પર ઉગતો કૃષિ પાક હવે માણસના પેટની ભૂખ અને મશીન-વાહનની ભૂખ વચ્ચે વહેંચાઈ ગયો છે. અને સૌથી કરુણ વાત એ છે કે આ હરીફાઈમાં મશીન જીતી રહ્યું છે!
કારણ કે મશીન પાછળ અબજો રૂપિયાનું કોર્પોરેટ અને સરકારી અર્થશાસ્ત્ર ઊભું છે. એક ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ પોતાની રોજિંદી ચા માટે જે ભાવ ચૂકવી શકે, તેના કરતા ઘણો વધુ ભાવ એક કાર માલિક પેટ્રોલ માટે ચૂકવવા તૈયાર છે. અર્થશાસ્ત્રમાં આને ફૂડ સિક્યુરિટી (અન્ન સુરક્ષા) માટેનો સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. જ્યારે ખેતીની ફળદ્રુપ જમીન માણસ માટે ખોરાક ઉગાડવાને બદલે માત્ર ઉદ્યોગો અને વાહનો માટે ઈંધણ ઉગાડવા લાગે, ત્યારે સરવાળે માણસના મોઢાનો કોળિયો જ મોંઘો થાય છે.
હરિયાળી ક્રાંતિ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના નામે આપણે પર્યાવરણને બચાવવાની બહુ મોટી વાતો કરીએ છીએ, પણ ગ્રીન ફ્યુઅલ મેળવવાની આ આંધળી દોડમાં આપણે સામાન્ય માણસની થાળી છીનવી રહ્યા છીએ. દેશના અર્થતંત્ર માટે પેટ્રોલિયમ આયાત બચાવવી જરૂરી હશે, પણ તેની આર્થિક કિંમત રસોડાના બજેટના રૂપમાં કેમ ચૂકવાઈ રહી છે?
આગામી વખતે જ્યારે તમે પેટ્રોલ પંપ પર જાવ અને મશીનમાં લિટરના આંકડા ફરતા જુઓ, ત્યારે યાદ રાખજો કે એ ટાંકીમાં માત્ર ઈંધણ નથી ભરાઈ રહ્યું, પણ દેશના મધ્યમ વર્ગની સવારની ચાની મીઠાશ બળી રહી છે!
શેરડી અને ઈથેનોલ
બ્રાઝિલનું ફ્લેક્સ ફ્યુઅલ મોડેલ: બ્રાઝિલ દુનિયાનું સૌથી મોટું શેરડી ઉત્પાદક છે. ત્યાંની કારમાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન હોય છે જે 100 ટકા ઈથેનોલ પર પણ ચાલી શકે છે. બ્રાઝિલની સુગર મિલો ઇન્ટરનેશનલ માર્કેટમાં રોજ ખાંડ અને ક્રૂડ ઓઈલના ભાવ જુએ છે. જો ક્રૂડ ઓઈલ મોંઘુ થાય, તો તેઓ ખાંડ બનાવવાનું સદંતર બંધ કરીને રાતોરાત બધો રસ ઈથેનોલમાં ફેરવી દે છે! બ્રાઝિલના આ જ મોડેલની નકલ હવે ભારતમાં શરૂ થઈ ચૂકી છે.
પાણીનો ભયાનક બગાડ: ઈથેનોલને ગ્રીન ઈંધણ કહેવાય છે, પણ હકીકત એ છે કે શેરડી એ દુનિયાનો સૌથી વધુ પાણી પીતો પાક છે. એક લિટર ઈથેનોલ બનાવવા માટે શેરડી ઉગાડવાથી લઈને પ્રોસેસિંગ સુધીમાં સરેરાશ હજારો લિટર ભૂગર્ભ જળ વપરાઈ જાય છે. આપણે હવાને શુદ્ધ કરવા માટે જમીન નીચેના મીઠા પાણીનો ખજાનો ખાલી કરી રહ્યા છીએ. આ પ્રકૃતિ સાથેનો સૌથી મોટો આર્થિક દગો છે.
E20 ટાર્ગેટ અને 2026 નું વર્ષ: ભારત સરકારે 2025-2026 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાનો લક્ષ્યાંક (E20 પોલિસી) રાખ્યો છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે દેશને કરોડો લિટર ઈથેનોલની જરૂર પડશે. આનો સીધો અર્થ એ છે કે આવનારા વર્ષોમાં મિલો વધુ ને વધુ રસ ઈથેનોલ માટે ડાયવર્ટ કરશે, બજારમાં ખાંડનો સપ્લાય દબાણમાં રહેશે અને ખાંડના ભાવમાં કાયમી ધોરણે આગ લાગેલી જ રહેશે. ભવિષ્યમાં સસ્તી ખાંડ એ એક ઇતિહાસ બની જશે.
‘વર્ચ્યુઅલ વોટર’ અને ઈથેનોલના નામે ચાલતું સદીનું સૌથી મોટું પર્યાવરણીય કૌભાંડ
તમારી કાર પેટ્રોલ નહીં, ભૂગર્ભ જળ પી રહી છે (વર્ચ્યુઅલ વોટર): અર્થશાસ્ત્રનો એક અત્યંત ભયાનક અને સિસ્ટમ દ્વારા જાણીજોઈને છુપાવવામાં આવેલો સિદ્ધાંત છે—વર્ચ્યુઅલ વોટર (અદ્રશ્ય પાણી). એક લિટર ઈથેનોલ બનાવવા માટે શેરડી ઉગાડવાથી લઈને ફેક્ટરીના પ્રોસેસિંગ સુધીમાં સરેરાશ ૨૫૦૦ થી ૩૦૦૦ લિટર શુદ્ધ મીઠું પાણી વપરાય છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યો જ્યાં ઉનાળામાં પીવાના પાણીના વલખાં હોય છે, ત્યાં જમીનમાંથી ભૂગર્ભ જળ ખેંચીને શેરડી ઉગાડાય છે. વાસ્તવમાં આપણે આપણી કારમાં કોઈ ગ્રીન ફ્યુઅલ નથી બાળી રહ્યા, આપણે આપણી આવનારી પેઢીઓના નસીબનું પીવાનું પાણી પેટ્રોલની ટાંકીમાં નાખીને સળગાવી રહ્યા છીએ! ભવિષ્યમાં જ્યારે પૃથ્વી પર પાણીનું યુદ્ધ થશે, ત્યારે ઇતિહાસકારો નોંધશે કે એક પેઢીએ પોતાની કાર સસ્તી ચલાવવા માટે દેશના કૂવાઓ અને ભૂગર્ભ જળ ખાલી કરી નાખ્યા હતા!
કાર્બન ફૂટપ્રિન્ટનો કોર્પોરેટ દંભ (ગ્રીનવોશિંગ): આપણને આક્રમક માર્કેટિંગ દ્વારા એવું શિખવાડાય છે કે પેટ્રોલમાં ઈથેનોલ વાપરવાથી હવામાં પ્રદૂષણ ઓછું ફેલાય છે. પણ વાસ્તવમાં આ સદીનું સૌથી મોટું કોર્પોરેટ ગ્રીનવોશિંગ (પર્યાવરણ બચાવવાનો દંભ) છે. શેરડીનો મહાકાય પાક ઉગાડવા માટે વપરાતા કેમિકલ ફર્ટિલાઈઝર (જે છેવટે પેટ્રોલિયમમાંથી જ બને છે), ખેતર ખેડતા ડીઝલ ટ્રેકટરો, અને સુગર મિલના મહાકાય બોઈલરમાં બળતો હજારો ટન કોલસો—આ બધાનું આખરી પ્રદૂષણ ગણો, તો એક લિટર ઈથેનોલ બનતા સુધીમાં તે અસલી પેટ્રોલ જેટલું જ અથવા ક્યારેક તેનાથી પણ વધુ પ્રદૂષણ ફેલાવી ચૂક્યું હોય છે! આ કોઈ પર્યાવરણ બચાવવાની યોજના નથી, આ માત્ર પ્રદૂષણને શહેરના સાયલેન્સરની પાઈપમાંથી કાઢીને ગામડાની જમીન અને ફેક્ટરીની ચીમનીમાં શિફ્ટ કરવાની એક આર્થિક માયાજાળ છે જે ચાલાક દિમાગોની પેદાશ છે.
-અભિમન્યુ મોદી
