સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પટકાયા : રોકાણકારોને કરોડોનું નુકસાન
વૈશ્વિક સંકેતો અને FIIના પ્રોફિટ બુકીંગને લીધે બજારમાં 1272 પોઈન્ટનો કડાકો
વૈશ્વિક કારણોસર અને વિદેશી ફંડોનાં પ્રોફિટ બુકીંગને લીધે સોમવારે શેરબજારનું સેન્ટીમેન્ટ ખરડાયુ હતું અને સેન્સેક્સ તથા નિફ્ટી ઊંધા માથે પટકાયા હતા. આ કડાકાથી રોકાણકારોને જંગી રકમનું નુકસાન પણ ગયુ હતું. આજે બેન્ક, ઓટો, એનર્જી શેર સૌથી વધુ તૂટ્યા હતા.
સોમવારે કારોબાર પૂરો થતાં સેન્સેક્સ 1272 અંકના ઘટાડા સાથે 84,299 અને નિફ્ટી 368 અંકના ઘટાડા સાથે 25,811 અંક પર બંધ થયો હતો.
શેર બજારમાં જોરદાર ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 474.25 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં 477.93 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. એટલે કે આજના સેશનમાં રોકાણકારોને 3.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
સેન્સેક્સ નિફ્ટીમાં કડાકા પાછળ ગ્લોબલ માર્કેટ અને ખાસ કરીને એશિયન શેરબજારના નબળાં સંકેત જવાબદાર છે. જાપાનનો શેરબજાર બેન્ચમાર્ક નિક્કેઇ 225 ઇન્ડેક્સ 5 ટકાથી વધુ તૂટ્યો છે. આ ઘટાડો લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં શિગેરુ ઇખિબાની જીત બાદ આવ્યો છે, જે જાપાનના નવા વડાપ્રધાન બની શકે છે.
વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે ભારતીય શેરબજાર દબાણ હેઠળ છે. અગાઉ 27 સપ્ટેમ્બરે વિદેશી રોકાણકારોએ લગભગ 1200 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એફપીઆઈ પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ નિફ્ટીમાં તીવ્ર ઘટાડો આવ્યો છે.
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી મિડલ ઇસ્ટમાં તણાવ વધ્યો છે, જેની સીધી અસર સમગ્ર દુનિયા પર થઇ રહી છે. જો કે આ યુદ્ધ લાબું ચાલશે તો પરિણામ વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાઇ શકે છે. પરિણામ ભારત સહિત દુનિયાભરના શેરબજાર તૂટવાની આશંકા છે.