ચૂંટણીનું વર્ષ છે, ટાર્ગેટ પૂરો ન થાય તો થોડા હળવા રહેજો ! RMCની વેરા વસૂલાત શાખાને મૌખિક આદેશ છૂટ્યાનો ગણગણાટ
રાજકોટ મહાપાલિકાની વેરા વસૂલાત શાખાને 2025-26ના નાણાકીય વર્ષમાં 456 કરોડ રૂપિયાની વેરા વસૂલાતનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જે પેટે અડધોઅડધ રકમ જમા થઈ ચૂકી છે પરંતુ દર વર્ષની માફક આ વર્ષે પણ જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી સીલિંગ ઝુંબેશ સહિતની કાર્યવાહી કરવાની તૈયારી કરી લેવામાં આવી હતી પરંતુ તે પહેલાં જ ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી ધડાધડ મિલકત સીલ ન કરવા મૌખિક આદેશ છૂટ્યાનો ગણગણાટ મહાપાલિકાની કચેરીમાં શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો : મર્યા પછી પણ શાંતિ નહીં! સપ્ટેમ્બર બાદના મરણ દાખલા ઈ-મેઈલથી મળશે
ફેબ્રુઆરીના મધ્યમાં મહાપાલિકાની ચૂંટણી જાહેર થઈ શકે છે. જો કે ચૂંટણીના પડઘમ જાન્યુઆરીથી વાગવાનું શરૂ થઈ જવાને કારણે આ સમયે વેરા વસૂલાત શાખાની અલગ-અલગ ટીમ અઢારેય વોર્ડમાં બાકીદારો ઉપર તૂટી પડતી હોય છે. આવું દર વર્ષે બનતું હોય છે પરંતુ આ વર્ષ ચૂંટણીનું હોવાથી તે જ સમયે મિલકત સીલ કરવાથી મતદારો નારાજ થઈ જાય તેમ હોવાને કારણે હળવા હાથે કામ લેવામાં આવી શકે છે. એકંદરે આ વર્ષે વેરા વસૂલાતનો લક્ષ્યાંક હાંસલ ન થાય તેવું પણ બની શકે છે. સાથે સાથે ચૂંટણીના વર્ષનો લાભ લઈ બાકીદારોને પણ પૈસા ભેગા કરવા માટે દોડાદોડી ન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે.
આ પણ વાંચો : રાજકોટના પૂર્વ મેયરના વોર્ડમાં ગાબડુંઃ કોર્પોરેટરના પતિ ‘આપ’ના થયા! ભાજપ છાવણી ચિંતામાં
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 456 કરોડમાંથી 296 કરોડ રૂપિયાનો વેરો ભરપાઈ થઈ ચૂક્યો છે અને 160 કરોડનું છેટું છે ત્યારે આટલી રકમ ભેગી કેવી રીતે કરવી તેની ચિંતા પણ વેરા શાખાને સતાવી રહ્યાનું જાણવા મળ્યું હતું.
