આજે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ : બોલીવુડનો જમાવડો, લાંબા સમય બાદ શાહરૂખ ખાન ફિલ્મફેર સમારોહ કરશે હોસ્ટ
અમદાવાદમાં શનિવારની સાંજ કાંઇક અનોખી હશે. અહી કાંકરિયા તળાવ પાસેના એરેના સ્ટેડીયમમાં 70મો હ્યુન્ડાઇ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ ગુજરાત ટુરીઝમના સહકારથી યોજાવા જઈ રહ્યો છે.આ ફિલ્મફેર સમારોહનું સૌથી મોટુ આકર્ષણ શાહરૂખખાન બની રહેશે કારણ કે લગભગ 17 વર્ષ પછી તે હોસ્ટ કરશે. તેની સાથે કરણ જોહર અને મનીષ પોલ એમ ત્રણેય સાંજને યાદગાર બનાવશે.
આ સમારોહમાં અક્ષય કુમાર પોતાની ટ્રેડમાર્ક એનર્જીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. તેની સાથે અભિષેક બચ્ચન એક શાનદાર પરફોર્મન્સ માટે તૈયાર છે, તેમજ ક્રિતી સેનન પણ સ્ટેજ પર પોતાનો જાદુ પાથરશે. આ વર્ષે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી તેમના પ્રથમ ફિલ્મફેર પરફોર્મન્સ સાથે ડેબ્યૂ કરશે.
આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ બનશે. કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને સોમનાથ તથા દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળોને ફિલ્મફેર એવોર્ડ્સ હાઇલાઇટ કરશે.

70મા ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન યાદી તાજેતરમાં જ બહાર પાડવામાં આવી હતી. જેમા કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને સૌથી વધુ 13 નોમિનેશન મળ્યાં હતાં. ‘સ્ત્રી’ને પણ 8 નોમિનેશન મળ્યાં હતાં, અને ‘ભુલભુલૈયા 3’ ને 5 નોમિનેશન મળ્યાં હતાં. ફિલ્મ ‘લાપતા લેડીઝનાં કલાકારો નિતાંશી ગોયલ અને પ્રતિભા રાંટ બેસ્ટ એક્ટ્રેસિસ ક્રિટિક્સ એવોર્ડ માટે આલિયા ભટ્ટ અને કરીના કપૂર સામે સ્પર્ધા કરી રહ્યાં છે. મુખ્ય એક્ટર સ્પર્શ શ્રીવાસ્તવને પણ રણદીપ હુડા અને રાજકુમાર રાવ સાથે બેસ્ટ એક્ટર કેટેગરી માટે ક્રિટિક્સ એવોર્ડમાં નોમિનેશન મળ્યું છે.
આ પણ વાંચો :સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ : સોમનાથ સાથે જોડાયેલી છે બોલીવુડના શહેનશાહની રસપ્રદ વાતો
ફિલ્મફેર 2025 માં ગુજરાતીઓની નજર એક્ટ્રેસ જાનકી બોડીવાલા પર રહેશે. તાજેતરમાં એક્ટ્રેસને નેશનલ એવોર્ડ અને IIFA મળ્યો હતો. તેને બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ માટે નોમિનેશન મળ્યું છે. આ યાદીમાં માધુરી દીક્ષિત, અહિલ્યા બમરુ, છાયા કદમ અને પ્રિયામણિ સામેલ છે. આ સિવાય અન્ય બે ગુજરાતીઓ પણ ફિલ્મફેર 2025ની રેસમાં છે, જેમાં બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં અનીસ બઝમી અને બેસ્ટ ક્રિટિક્સ માટે ધ બકિંગહામ મર્ડર્સના નામ સામેલ છે.
