રાજકોટની હોટલોમાં શૈયા સુખના સોદા? બંધ બારણે માંગો તે મળે કે પીરસવામાં આવતું હોવાની ચર્ચા
રાજકોટ શહેર જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમ તેમ દૂષણો પણ ઘર કરવા લાગ્યા છે. દારૂ, ડ્રગ્સ, સ્પાના નામે સેક્સ રેકેટ તો ખરા જ પરંતુ શહેરમાં ધમધમતી હોટલો પૈકીની ઘણી ખરી હોટલોમાં શૈયા સુખના સોદાઓ કે કલાકોના દર રૂમો મળી રહે છે. કેટલીક હોટલો તો જાણે આવા `ગંદા હૈ પર ધંધા હૈ’ની માફક સેક્સ કે આવા બંધ બારણે થતાં છૂપા કામો માટે જ ચાલતી હોય તેવું ચિત્ર છે. પોલીસે હવે રહી રહીને અથવા તો નાછૂટકે સ્પામાં ચાલતા સેક્સ રેકેટ તરફ ડમી ગ્રાહકો મોકલીને ઓપરેશનો પાર પાડવાનું શરૂ કર્યું એ સારી વાત છે પરંતુ આવી જ રીતે ઘણા વિસ્તારમાં શેરી-ગલીઓ કે આવા વિસ્તારોમાં બે-પાંચ-દસ રૂમની હોટલો ચાલે છે એ તરફ પણ નજર દોડાવવાની જરૂર છે.
આ પણ વાંચો : અનિરૂધ્ધસિંહ જાડેજાની આજીવન કેદ સજા માફી 7 વર્ષ બાદ થઇ રદ : વાંચો હત્યા અને સજા માફી સુધીનો સમગ્ર ઘટનાક્રમ
રાજકોટ શહેરમાં સ્પા બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે. મોટાભાગના સ્પામાં બોડી મસાજના નામે દેહવિક્રય, સેક્સ પીરસાતું રહે છે. આંતરરાજ્યની હવે તો સ્થાનિક ગુજરાતી યુવતીઓ કે મહિલાઓ પણ સ્પા ગર્લના નામે સ્પામાં રૂપ લલનાનું કામ કરતી હોય છે. આવા દૂષણ ડામવા માટે પોલીસની એન્ટિહ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) ટીમ હોય છે. અત્યાર સુધી તો એવું ચાલતું અથવા પોલીસની બહાનેબાજી રહેતી કે ચેકિંગમાં જોઈએ તો પુખ્ત હોય જેથી કાયદાકિય ગાઈડલાઈન મુજબ કાંઈ ન થઈ શકે પરંતુ ઉચ્ચ અધિકારી બદલાતા હવે એએચટીયુ ટીમ દોડવા લાગી છે. ડમી ગ્રાહકો મોકલીને ચાલતા સેક્સ રેકેટ પકડે છે.
રાજકોટ શહેરમાં મહાપાલિકા ચોપડે નોંધાયેલી કે પોલીસ પરમિશન મેળવેલી 150થી વધુ હોટલો (ખાણીપીણીની નહીં રહેવા રૂમ ફેસેલિટી સાથેની) છે. હોટલો દ્વારા પોલીસના પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓના આવાગમનની નોંધ કરાવવાની હોય છે. એક એવી છાપ ઉપસી ગઈ છે કે બસ સ્ટેશન પાછળના એરિયામાં આવેલી હોટલો પૈકીની મહત્તમ હોટલો તો ચોક્કસ કામો માટે જ ચાલતી હોય તેવી વાપ છે. કલાક-બે કલાક માટે કપલને રૂમ મળી જાય અથવા તો પાર્ટી કરવી હોય તો જબ મીલ બેઠે ચાર યારની માફક પાર્ટી માટે પણ રૂમ મળી શકે. હોટલના જાણકાર વિશ્વાસપાત્ર વર્તુળોની વિગત મુજબ કેટલીક હોટલો તો એવી છે કે પરિચિત કે વિશ્વાસુ ગ્રાહક થઈ જાવ અથવા તો લાગતા વળગતાની ઓળખ હોય એટલે હોટલમાંથી જ કબાબ-શબાબ, શરાબની સવલત થઈ શકે કે કરાવી આપે. રાજકોટમાં તાજેતરમાં જ એએચટીયુએ બસ સ્ટેશન પાછળ હરિ પેલેસમાં દરોડો પાડી હોટલ સંચાલક પિતા-પુત્રની દલાલ મારફતે હોટલની આડમાં સેક્સના સોદા કરાવતા પકડી પાડ્યા હતા. એક સેકસવર્કરના પણ મળી આવી હતી. આ જ કિસ્સો ગવાહી પુરતો ગણી શકાય કે હોટલોમાં સેક્સના સાદા થતાં હશે. જેમ પાંચેય આંગળી સરખી ન હોય તેમ બધી હોટલોમાં સેક્સ કે આવા ખોટા કામો થતા હશે કે આવા કામો માટે રૂમ આપતા હશે એવું ન હોય, સારી પ્રતિષ્ઠાવાળી હોટલો પણ છે જ પરંતુ હોટલોમાં ક્યાંકને ક્યાંક બંધબારણે સેક્સની સવલત પુરી પડાય છે એ પણ જાહેર ખાનગી જેવી વાત બની ગઈ છે અને કેટલીક હોટલો તો ખાસ આવા કામો માટે પંકાયેલી અને અગાઉ પોલીસ ચોપડે પણ ચડી ચૂકેલી છે અને હોટલોના નામે હાટડકાઓ ચાલે છે.
કેટલીક હોટલોમાં આલ્બમની સવલત તો ક્યાંક રૂબરૂ મળી રહે!
રાજકોટમાં રંગીન મિજાજીઓને તેમના શોખ પોષવા માટે કેટલીક હોટલ એવી છે કે ત્યાં આલ્બમ (લેડીઝના ફોટો) પ્રોવાઈડ થાય છે. ફોટો સિલેક્શન મુજબ તેમને માંગે તે મળી રહેતું હોય છે. હોટલોમાં સેક્સ વર્કરના દલાલો કે આવું નેટવર્ક પણ ચાલતું હોવાની વાત છે. સૈયા શોખીનને વોટ્સએપ કે આવા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો મોકલવામાં આવે છે અને નક્કી થયેલા ટાઈમ સેડ્યુલ મુજબ સેક્સ વર્કર અને શોખીન બન્ને જે તે હોટલ પર પહોંચી જતાં હોય છે. આવું હોટલ ધંધા સાથે સંકળાયેલા જાણકારે જણાવ્યું હતું.
હોટલોમાં આઇ.ડી. કાર્ડ એન્ટ્રીમાં પણ ગોલમાલ !
રાજકોટમાં હોટલોમાં ઘણીખરી જગ્યાઓએ સેટીંગ થતું હોય તે રીતે સિંગલ આઈ.ડી., ડબલ આઈ.ડી., એન્ટ્રીના ભાવ કે ચાર્જ અલગ-અલગ લેવાતા હાય છે. કપલ ગયું હોય અને માત્ર યુવક કે પુરૂષની આઈ.ડી. પર એન્ટ્રી જોઈતી હોય તો મળી રહે. યુવતીની ઓળખ ન થાય અથવા તો પોલીસના હાથમાં ચેકિંગમાં યુવતી, મહિલાના આઈ.ડી. કાર્ડ (ઓળખપત્ર આધાર કાર્ડ કે આવા કોઈ આધારભૂત કાર્ડ) ન આવે તે માટે સિંગલ આઈ.ડી.માં એન્ટ્રી આપીને ડબલ કે તેથી વધુ ચાર્જ વસુલી લેતા હોય છે. કલાક, બે કલાક કે આવા ટૂંકા ટાઈમ માટે રૂમ આપીને આવનારને પણ ધાર્યું કામ થઈ જાય અને હોટલવાળાને પણ ન ધાર્યું વળતર મળી જાય તેવો તાલ ચાલતો હોવાની પણ ચર્ચા છે.
