નેપાળ સરહદ પર હાઈ એલર્ટ : હવાઈ સેવા સ્થગિત, સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો,ભારતીય દૂતાવાસે મુસાફરોને કરી અપીલ
નેપાળમાં થયેલા ભયંકર હિંસક તોફાનોને પગલે ભારત દ્વારા નેપાલ સાથેની 1751 km લાંબી સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ભારતની સશસ્ત્ર સીમા બળ (SSB) સાથે રાજ્ય પોલીસની ટીમોને પણ સરહદ પર તૈનાત કરવામાં આવી છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર નેપાળમાં ચાલી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સશસ્ત્ર સીમા બળ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારત અને નેપાળ 1950ની શાંતિ અને મૈત્રી સંધિ હેઠળ નાગરિકો અને માલસામાનની મુક્ત અવરજવરની સુવિધા ધરાવે છે. નેપાળ સાથેની સરહદો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ફેલાયેલી છે. જોકે, હાલના હાઈ એલર્ટને કારણે સરહદ પર અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના ગૌરીફંટા સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો નેપાળી નાગરિકોને ભારતમાં પ્રવેશવા દેતા નથી, પરંતુ નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આવી જ રીતે, નેપાળે પણ ભારતીય નાગરિકોને પ્રવેશની મંજૂરી આપી નથી, પરંતુ ભારતમાં કામ કરતા અથવા મુસાફરી કરતા નેપાળી નાગરિકોને પાછા ફરવાની છૂટ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ સરકારે પણ નેપાળ સાથેના સાત જિલ્લાઓમાં પોલીસ પ્રશાસનને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના પાનીટંકી સરહદી શહેરમાં વેપાર બંધ થવાને માલવાહક ટ્રકો અટવાઈ ગઈ હતી. વિસ્તારના પોલીસ અધિક્ષક પ્રવીણ પ્રકાશે જણાવ્યા મુજબ એ સ્થળે પોલીસ ચોકી સ્થાપવામાં આવી છે અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહાર સહિતના અન્ય સરહદી વિસ્તારોમાં પણ આવી જ ચેતવણી જારી કરવામાં આવી છે.
કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ ખાતે સેના તૈનાત: હવાઈ સેવા સ્થગિત
કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ ખાતે ભારતીય સેનાને તૈનાત કરવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે ભારતીય નાગરિકોને નેપાળમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી હતી. નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને નેપાળી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
નેપાળના મોટાભાગના એરપોર્ટ બંધ થવાને કારણે ભારત અને નેપાળ વચ્ચેની હવાઈ મુસાફરી પણ સ્થગિત કરવામાં આવી છે. આ પરિસ્થિતિ નેપાળમાં શાંતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
