નેપાળમાં તોફાન : પોલીસ ગોળીબારમાં 20ના મોત, કેપી ઓલીની ખુરશી જોખમમાં, 3 મંત્રીઓએ રાજીનામું આપ્યું
નેપાળની રાજધાની કાઠમંડુમાં સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરવા મોટાપાયે જેન-ઝેડ સાથેના યુવકો દ્વારા અતિ હિંસક દેખાવો થયા હતા. હજારોની સંખ્યામાં યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા હતા. તેઓ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચવાની માગ સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. કાઠમંડુ સહિત અનેક શહેરોમાં કર્ફ્યૂ લાદી દેવાયો હતો. પોલીસ અને સેના દ્વારા થયેલા ગોળીબારમાં 20 દેખાવકારોના મોત થઈ જતાં આંદોલન વધુ હિંસક બન્યું હતું. ગોળીબારમાં 250થી વધુ યુવકો ઘાયલ થયા હતા. અનેક શહેરોમાં સેના તૈનાત કરી દેવાઈ હતી. વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગણી પણ ઉઠી છે. હિંસાને પગલે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસ પાસે પણ સેના ગોઠવી દેવાઈ હતી. દેખાવકારોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. સંસદમાં તોડફોડ અને આગજની થયા હતા.

સરકારે કાઠમંડુમાં શૂટ એટ સાઇટનો આદેશ આપ્યો હતો. 3 સપ્ટેમ્બરથી જ સરકારે ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિત સોશ્યલ મીડિયાના 26 જેટલા પ્લેટફોર્મ બંધ કરી દીધા હતા અને તેની સામે સોમવારે યુવકોમાં જલદ આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક શહેરોમાં જલદ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. આમ નેપાળ હિંસાની આગમાં સળગી ગયું હતું.

Gen-Z વિરોધ પ્રદર્શન બાદ રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર
નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શન બાદ રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. ગૃહમંત્રી બાદ, કૃષિ અને પશુપાલન વિકાસ મંત્રી રામનાથ અધિકારી અને આરોગ્ય મંત્રી પ્રદીપ પૌડેલે પણ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે સરકારનું વલણ લોકશાહી મૂલ્યોને બદલે સરમુખત્યારશાહી દિશામાં આગળ વધી રહ્યું છે.

નેપાળી કોંગ્રેસના સાંસદનું રાજીનામું
પોતાના રાજીનામામાં, નેપાળી કોંગ્રેસના સાંસદે લખ્યું કે સરકારે નાગરિકોના લોકશાહી અધિકારોને માન્યતા આપવાને બદલે દમન, હિંસા અને બળપ્રયોગનો માર્ગ અપનાવ્યો છે, અને તેથી જ તેઓ રાજીનામું આપી રહ્યા છે.
નેપાળ સરકારના મંત્રીએ કહ્યું કે આ પદ્ધતિ દેશને લોકશાહીને બદલે સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સત્તામાં રહીને આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી કે સરકારે રાષ્ટ્રનું નિર્માણ થનારી પેઢી સામે હિંસાનો માર્ગ કેમ પસંદ કર્યો.

પ્રથમ ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપ્યું
સોમવારે ગૃહમંત્રી રમેશ લેખકના રાજીનામાના એક દિવસ પછી રામનાથ અધિકારીનું આ પગલું આવ્યું છે. રમેશ લેખકે સોમવારે સાંજે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામું પણ જનરલ-ઝેડ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને મૃત્યુ પછી આવ્યું છે.
કેપી ઓલી પાસેથી રાજીનામાની માંગ
નેપાળી કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ વડા પ્રધાન ઓલીના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું, “નિર્દોષ યુવાનો બિનજરૂરી રીતે મૃત્યુ પામ્યા છે. વડા પ્રધાને આ માટે નૈતિક જવાબદારી લેવી જોઈએ અને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.”
આંદોલનકારીઓનું આ આંદોલન ઉગ્ર ન બને તે હેતુ સાથે વહીવટીતંત્રે અનેક શહેરોમાં કરફ્યુનો આદેશ આપ્યો હતો. સ્થિતિ વણસતાં યુવાનો સંસદમાં ઘૂસ્યા જેના પગલે સુરક્ષાદળોએ તેમને રોકવાના પ્રયાસ રૂપે ફાયરિંગ કર્યું તો મામલો બીચક્યો. જેમાં 20 વિદ્યાર્થીના મોત, જ્યારે 250 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
NGO ઓ હામી નેપાળની મુખ્ય ભૂમિકા
યુવાનોના આંદોલનમાં એનજીઓ હામી નેપાળે મુખ્ય ભૂમિકા ભજવી છે. ડિસ્કોર્ડ ચેનલ્સ મારફત એનજીઓએ ઓનલાઈન આંદોલન માટે લોકોને ભેગા કર્યા હતા. VPN મારફત દેખાવકારો એનજીઓ સાથે જોડાયા. હામી નેપાળ સંગઠનની સ્થાપના 2015માં થઈ હતી. તે પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો બાદ રાહત પ્રદાન કરવા માટે કામ કરે છે. ડિસ્કોર્ડ નેપાળમાં પ્રતિબંધિત ચેટ એપ છે.
વડાપ્રધાનના રાજીનામાની માંગણી
આરએસપી સાંસદ સુમના શ્રેષ્ઠે નેપાળની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વડાપ્રધાન કે.પી. ઓલી શર્માને રાજીનામું આપવા કહ્યું છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તેમનું પદ પર રહેવુ યોગ્ય નથી. તેમીન પાસે નૈતિક આધાર નથી. તેઓએ તુરંત રાજીનામું આપી દેવુ જોઈએ. સાંસદના આ નિવેદનથી નેપાળના રાજકારણમાં હડકંપ મચ્યો છે.
ફોન-ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ
આંદોલનકારીઓ મોટી સંખ્યામાં સુત્રોચ્ચાર કરતાં સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે કલાકો સુધી ફોન અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી
સરકારે બોલાવી ઇમરજન્સી બેઠક
હિંસક પ્રદર્શન અને યુવકોના મોત બાદ સ્થિતિ વણસી જતાં વડાપ્રધાન ઓલી હરકતમાં આવ્યા હતા અને ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ઓલીએ કહ્યું હતું કે જે કઈ થઈ રહ્યું છે તે કાયદાની વિરુધ્ધ છે. સોશ્યલ સાઇટ્સને કાયદાનું પાલન કરવા માટે સૂચના અપાઈ હતી. સાંજે કેબિનેટની બેઠક પણ મળી હતી
