રાજકોટમાં બેન્કે જપ્ત કરેલી દુકાન ખરીદવા જતાં વૃદ્ધે 1.05 કરોડ ગુમાવ્યા : પોલીસ ફરિયાદ દાખલ,જાણો શું છે મામલો
રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર સરસ્વતિ સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ બેન્કે જપ્ત કરેલી દુકાન ખરીદવા જતા 1.05 કરોડ જેવી માતબર રકમ ગુમાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી.
શું છે સમગ્ર મામલો?
આ અંગે ઘનશ્યામભાઈ દયાળજીભાઈ માણેક (ઉ.વ.70)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ધર્મેન્દ્ર રોડ કડિયા નવલાઈન શેરી નં.6માંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોમડિયાના ડેલો તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં દુકાન નં.૩ ઉપર કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ નામની કંપનીની જાહેર નોટિસ લગાવેલી હતી.
આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે દુકાન પર લોનના હપ્તા ચડી ગયા હોય કોઈએ વ્યવહાર કરવો નહીં. આ બોર્ડ વાંચ્યા બાદ તેમાં લખેલા નંબર ઉપર ફોન કરતા તે વ્યક્તિએ ઘનશ્યામભાઈને મવડી ચોકડીએ આર.કે.એમ્પાયર બિલ્ડિંગમાં બોલાવ્યા હતા.
અહીં કેપી ગ્લોબલ કેપિટલ લિમિટેડના મેનેજરે ઘનશ્યામભાઈને જણાવ્યું કે દુકાન પર ચડત હપ્તા તમે ભરી દો અને ત્યારબાદ જો દુકાન ખરીદવી હોય તો તમને પંદર-વીસ દિવસનો સમય ગળશે. આ દુકાનના માલિક નેહાબેન રજનીકાંત ગાંધેશા ત્યાં જ દુકાન ધરાવતા હોય તેમની સાથે વાતચીત કરી લ્યો. આ પછી ઘનશ્યામભાઈએ નેહાબેન ગાંધેશા સાથે વાત કરતાં તેણે દુકાન વેચવાની તૈયારી દર્શાવી હતી.
દુકાન પર લીધેલી લોન ભરપાઈ કરવા તેમજ નેહાને વધારાના નવ લાખ ચૂકવવાના તે પ્રકારે સોદો નક્કી થયો હતો. ઘનશ્યામભાઈએ સૌથી પહેલાં 7.94 લાખ કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને ચડત હપ્તા પેટે ભરપાઈ કર્યા બાદ 89.88 લાખ રૂપિયા કેપ્રી ગ્લોબલ કેપિટલ લિ.માં નેહાબેન ગાંધેશાના ખાતામાં ચાર કટકે જમા કરાવ્યા હતા. આ પ્રકારે નેહાબેનની દુકાન બેન્ક પાસેથી છૂટી થઈ ગયા બાદ તેણે ઘનશ્યામભાઈને દુકાનનું સાટાખટ કરી આપ્યું હતું. ત્યારબાદ દસ્તાવેજની પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં નેહાબેને બહાના કાઢવાનું શરૂ કર્યું હતું અને પાંચ મહિના સુધી કોઈ જ કાર્યવાહી ન કરી ઘનશ્યામભાઈના 1.05 કરોડ ઓળવી જતાં આખરે તેના વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
નેહાએ અન્ય લોકોને પણ માર્યો છે 1.18 કરોડનો ધૂંબો
ઘનશ્યામભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે નેહાબેન ગાંધેશાએ અમિતાબેન ભાવેશભાઈ મહેતાને 26.67 લાખ, જાગૃતિબેન રમેશભાઈ બાલાસરાને 15 લાખ, દક્ષાબેન સુરેશભાઈ લાઠીગ્રાને 1.20 લાખ, હર્ષાબેન પ્રદીપભાઈ મહેતાને 4.32 લાખ, કાશ્મીરાબેન કનૈયાલાલ તન્નાને 17.72 લાખ, દક્ષાબેન હિરેનભાઈ ત્રિવેદીને 4 લાખ, રિટાબેન ઋષભભાઈ ગાંધીને 15 લાખ, ભાવેશભાઈ પ્રફુલભાઈ ધામેચાને 15 લાખ અને રાજેશભાઈ હરજીભાઈ માકાસણાને પણ 20 લાખ રૂપિયાનો ધૂંબો માર્યાનું ધ્યાન પર આવ્યું છે.
