PM મોદી ગુજરાતની મુલાકાતે : આ તારીખો દરમ્યાન ફરી આવશે માદરે વતન,વડનગરના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું કરશે ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમ આઠમના તહેવારો પછી એટલે કે આગામી 24 અને 25 ઓગસ્ટે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર, ઉદ્યોગનગરી બેચરાજી અને ગાંધીનગરની મુલાકાત લેશે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન 24 ઓગસ્ટે સવારે વડનગર પહોંચશે અને ત્યાં તૈયાર થયેલા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને આધુનિક બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

બાદમાં વડાપ્રધાન બેચરાજી જશે, જ્યાં સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ગુજરાતને વધુ મજબૂત સ્થાન આપશે અને સ્થાનિક રોજગારી તકોમાં વધારો કરશે. સૂત્રો મુજબ, આ કાર્યક્રમોમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવો હાજર રહેશે.

પ્રવાસના બીજા દિવસે, 25 ઓગસ્ટે, વડાપ્રધાન ગાંધીનગર પહોંચશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. અહીં તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી શકે છે. આ બેઠકમાં આગામી વર્ષમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વ્યૂહરચના અને તૈયારીઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાંત, વડાપ્રધાન “ગતિ શક્તિ” પ્રોજેક્ટની સમીક્ષા પણ કરશે, જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ઝડપ આપવા માટેની કેન્દ્રીય યોજના છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ
આ ઉપરાંત, મહાત્મા મંદિર ખાતે જાહેર કાર્યક્રમનું પણ આયોજન થઈ શકે છે. આ કાર્યક્રમ માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે આયોજનની ચર્ચાઓ ચાલી રહી છે. વડાપ્રધાન કાર્યાલયે આ કાર્યક્રમોનો ટેન્ટેટિવ શેડ્યુલ તૈયાર કર્યો છે, જોકે હજી સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે. તેમ છતાં, રાજ્ય સરકાર તમામ સ્તરે તૈયારીમાં લાગી ગઈ છે.
