રાજકોટના શીતલ પાર્ક પાસે 4.45 કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવશે મનપા : વર-વધૂના રૂમ સહિતની સુવિધા અપાશે
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળી હતી જેમાં 76 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા બજેટમાં ત્રણેય ઝોનમાં પાર્ટીપ્લોટ બનાવવાની જાહેરાત કરાયા બાદ થોડા મહિનાઓ અગાઉ વેસ્ટ ઝોનમાં તાલુકા પોલીસ મથકથી આગળ પાર્ટી પ્લોટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યા બાદ હવે સેન્ટ્રલ ઝોનમાં પણ આવો જ પાર્ટીપ્લોટ બનાવવાની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા કરવામાં આવતાં આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે શીતલ પાર્કવાળા રસ્તે કમલમ્ કાર્યાલયથી પોણો કિલોમીટર દૂરનો રસ્તો કે જે રવિ કૃષ્ણ હાઈટસવાળા રોડ તરીકે ઓળખાય છે ત્યાં મહાપાલિકાના પ્લોટમાં 4.45 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવાની દરખાસ્ત આવી છે જેના પર આજે કમિટી નિર્ણય લેવામાં આવ્યો છે અને આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : શેરબજારમાં છેતરપિંડી મામલે SEBIની કાર્યવાહી : બોલીવુડ અભિનેતા અરશદ વારસી સહિત 57 લોકો પર મૂક્યો બેન
આ પાર્ટી પ્લોટમાં વર-વધૂના રૂમ, સ્ટોરરૂમ, ઈલેક્ટ્રિક રૂમ, ઓફિસ, ટોઈલેટ બ્લોક, વોશ એરિયા, પાર્કિંગ, લોન એરિયા, મુખ્ય બિલ્ડિંગ, કિચન સહિતની સુવિધા આપવામાં આવશે. મ્યુ.કમિશનર દ્વારા કરાયેલી દરખાસ્તમાં આ પાર્ટી પ્લોટના નિર્માણનુંકામ નરેન્દ્ર એમ.પટેલને 5.40% `ઓન’થી આપવાનું સુચવવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 76 દરખાસ્ત મંજૂર
આજે મહાપાલિકામાં ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે 25 એમએલડીની ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા, વોર્ડ નં.1થી 18માં જુદી જુદી જગ્યાએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે બોર તેમજ બોર રીચાર્જ સિસ્ટમ કરવાનું કામ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આપવા, પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે નવી ત્રણ બેટરી સંચાલિત કાર લેવા સહિતની 76 દરખાસ્તો સમાવિષ્ટ છે જે મંજૂર કરવામાં આવી હતી.