સરકાર તમારે દ્વારે! હવે તમને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે મળી રહેશે, આ તારીખ સુધી લોકો મેળવી શકશે લાભ
રાજકોટના નવા જિલ્લા કલેકટર ગ્રામીણ જનતાને ઘેરબેઠા સુવિધાઓ મળી રહે તે દિશામાં કામગીરી શરૂ કરાવી છે. ખાસ કરીને સરકારની જનધન યોજના, જન સુરક્ષા યોજના, અટલ પેંશન યોજના, સાયબર છેતરપિંડીથી કેમ બચી શકાય સહિતની બાબતો ગ્રામીણ પ્રજાને ઘર આંગણે મળી રહે તે માટે 10 જુલાઈથી સમગ્ર જિલ્લામાં ઝુંબેશરૂપે કામગીરી માટે કેમ્પનું આયોજન કરી રહ્યા છે.

જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગ્રામીણ પ્રજાજનોને જિલ્લા તાલુકા કક્ષાએ ન આવવું પડે તે માટે પ્રધાનમંત્રી જનધન યોજનાના બંધ થયેલા ખાતા શરૂ કરવા, પ્રધાનમંત્રી વીમા સુરક્ષાયોજના, અટલ પેન્શન યોજના, પ્રસૂતા બહેનો માટેના કાર્ડ કાઢવા તેમજ આધારકાર્ડની કામગીરી ઉપરાંત ડિજિટલ છેતરપિંડીથી કેમ બચી શકાય તે બાબતે જનજાગૃતિ માટે આગામી તા.10 જુલાઈથી દરેક ગામોમાં કેમ્પ યોજવામાં આવશે. નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટના સરધાર ખાતે પ્રથમ કેમ્પ યોજાયો હતો જેમાં 400થી વધુ અરજદારોએ લાભ લીધો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં 22 પે એન્ડ પાર્ક સાઈટ બ્રિજ નીચે હોવાથી કોઈ જ ‘લેવાલ’ નહીં : મનપાએ ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્ધ કર્યું
કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ
આ યોજનાનો લાભ લેવા માટે તેઓએ શહેર કે તાલુકા કક્ષા સુધી જવાની જરૂર રહેશે નહીં. તાજેતરમાં જ સરધાર ખાતે વહીવટી તંત્ર દ્વારા આ કેમ્પ યોજવામાં આવેલ હતો, જેનો લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. હવે 10 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી રાજકોટ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં તબક્કાવાર કેમ્પ યોજાશે. જેમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવો આશય છે.