અમદાવાદ વિમાન દુર્ઘટના : એર ઇન્ડિયાની વળતર પ્રક્રિયા સામે 40 મૃતકોના પરિવારજનો નારાજ, લગાવ્યા ગંભીર આક્ષેપ
અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનામાં માર્યા ગયેલા 40 મૃતકોના પરિવારજનોએ એર ઇન્ડિયાની વળતર પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી કાનૂની જંગ માંડવાની તૈયારી કરી લીધી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171ની 12 જૂનના રોજ દુર્ઘટનાગ્રસ્ત થતાં 260 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ મૃતકોના પરિવારોએ એર ઇન્ડિયા પર વળતરની પ્રક્રિયામાં દબાણ અને ધમકીનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, એર ઇન્ડિયાએ આ આક્ષેપોને અધારહીન અને અચોક્કસ ગણાવી ફગાવ્યા છે.

40થી વધુ પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી યુકેની લો ફર્મ સ્ટીવર્ટ્સે એર ઇન્ડિયા વળતરની પ્રક્રિયામાં મૃતકોના પરિવારો પર દબાણ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, એરલાઇને એક વિગતવાર પ્રશ્નાવલી આપી છે, જેમાં કાનૂની શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ પરિવારોને સમજાવ્યા વિના જ ફોર્મ ભરવા માટે દબાણ કરવામાં આવે છે. આ પ્રશ્નાવલીમાં મૃતક પર નાણાકીય નિર્ભરતા સંબંધી પ્રશ્નો છે, જે ભવિષ્યમાં વળતરની રકમને અસર કરી શકે છે. સ્ટીવર્ટ્સના પાર્ટનર પીટર નીનનએ કહ્યું, “પરિવારોને ગરમીમાં બેસાડીને, કાનૂની સલાહ વિના આ ફોર્મ ભરવા દબાણ કરવામાં આવ્યું, જે શરમજનક છે.” બીજી તરફ એર ઇન્ડિયાએ આ આક્ષેપોને નકારતા કહ્યું કે પ્રશ્નાવલીનો હેતુ ફક્ત પરિવારના સભ્યોની ઓળખ ચકાસવાનો હતો, જેથી વળતર યોગ્ય વ્યક્તિઓને મળે. એરલાઇને જણાવ્યું કે ફોર્મ ઇમેઇલ કે વ્યક્તિગત રીતે ભરી શકાય છે અને કોઈના ઘરની મુલાકાત લેવામાં આવી નથી. એરલાઇને 47 પરિવારોને આંતરિક વળતર ચૂકવી દીધું છે અને 55 અન્યના દસ્તાવેજોની પ્રક્રિયા ચાલી રહી છે. એરલાઇને અંતિમ સંસ્કાર, રહેઠાણ અને અન્ય લોજિસ્ટિક્સ માટે સમર્પિત સ્ટાફની વ્યવસ્થા પણ કરી છે.

નોંધનીય છે કે ટાટા ગ્રૂપે દરેક મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયાનું સ્વૈચ્છિક યોગદાન જાહેર કર્યું છે. આ ઉપરાંત, લાંબા ગાળાની સહાય માટે 500 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભારે કરી! રાજકોટમાં લાંચ લેતા પકડાયેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર મારુએ નોકરી મેળવવામાં પણ ગોલમાલ કર્યાનો ધડાકો
કાનૂની જંગનો તખ્તો તૈયાર
સ્ટીવર્ટ્સ લો ફર્મ અમદાવાદની નાણાવટી એન્ડ નાણાવટી તેમજ અમેરિકાની ક્લિફોર્ડ લો ઓફિસ અને ક્રેન્ડલર એન્ડ ક્રેન્ડલર સાથે મળીને એર ઇન્ડિયા, બોઇંગ અને અન્ય જવાબદાર પક્ષો સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સ્ટીવર્ટ્સે મૃતકોના પરિવારોને આ ફોર્મ ન ભરવાની સલાહ આપી છે અને કાનૂની રીતે વળતર મેળવવાની ખાતરી આપી છે. આ મામલો આગામી સમયમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા છે, કારણ કે પરિવારો અને તેમના વકીલો દુર્ઘટના અને તેની પછીની પ્રક્રિયા માટે જવાબદારી નક્કી કરવા માગે છે.