સુમસામ રસ્તા અને છેવાડાના વિસ્તારોમાં હવે SHE ટીમ ડ્રોનથી રાખશે બાજ નજર : દરેક શહેરમાં મહિલા ડ્રોન સર્વેલન્સ યુનિટ કરાશે શરૂ
મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીલ તંત્રમાં SHE ટીમ કાર્યરત છે અને હવે ટૂંક સમયમાં આ ટીમને વધુ પાવર આપીને સુરક્ષામાં વધારો કરવામાં આવશે. ખાસ કરીને આ SHE ટીમનું મહિલા ડ્રોન સર્વેલન્સ યુનિટ શરૂ કરવામાં આવશે અને આ યુનિટ સુમસામ રસ્તા, છેવાડાના વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખશે. આ ટીમ હાઈવે ઉપર બેફામ ઝડપે ડ્રાઈવિંગ કરનારા નબીરાઓ ઉપર પણ નજર રાખશે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, SHE ટીમમાં કાર્યરત મહિલા પોલીસને મહિલા ડ્રોન હેન્ડલર્સ તરીકેની તાલીમ આપીને ડ્રોન સર્વેલન્સ યુનિટ શરૂ કરવામાં આવશે. AI-આધારિત વોરનિંગ સીસ્ટમથી સજ્જ SHE ટીમનો ડ્રોન કાફલો રાત્રિ પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવશે. આ યુનિટ સૂમસાન તથા સ્ટ્રીટ લાઈટ વગરના રસ્તાઓ, શહેરના છેવાડાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. સાથોસાથ બેફામ ઝડપે ડ્રાઇવિંગ કરતા નબીરાઓ પર પણ નજર રાખશે.

આ ઉપરાંત ડ્રોન આદિવાસી વિસ્તારોનું પણ નિરીક્ષણ કરશે, જ્યાં મહિલાઓ પર અવારનવાર તાલીબાની અત્યાચાર કરવાની ઘટનાઓ સામે આવે છે. સાથોસાથ તે પૂરની સંભાવના ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારો પર પણ દેખરેખ રાખશે. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાશે તો ડ્રોન હેન્લર નજીકના પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરીને ચેતવણી આપશે. જેનાથી તાત્કાલિક પગલાં લઇને ગુનાખોરીને અટકાવી શકાશે.

આ પણ વાંચો : ‘બદસૂરત’ રાજકોટ સિવિલ હોસ્પિટલ : મુખ્ય ગેઈટ સોનાની લગડી જેવો, અંદર બધું ભંગાર જ ભંગાર! જુઓ તસવીરો
SHE ટીમના મોબાઇલ કમાન્ડ યુનિટ્સ ડ્રોન સર્વેલન્સ, ઇમરજન્સી કીટ અને રીઅલ-ટાઇમ લાઇવ રિપોર્ટિંગ ક્ષમતાઓથી સજ્જ હશે. “એપ્લિકેશન 2.0” નામની ખાસ એપ દ્વારા ડ્રોનના હાઇ-રિઝોલ્યુશન કેમેરામાં કોઈ શંકાસ્પદ ઘટના મળી આવે તો તેની નજીકની પીસીઆર વાનને અથવા પોલીસ સ્ટેશનને રીઅલ-ટાઇમ SOS ચેતવણીઓ મોકલી આપશે.