વાલીઓ ઉંઘતાં હશે ? રાજકોટમાં દરરોજ 101 વિદ્યાર્થી તોડે છે ટ્રાફિકના નિયમ !
રાજકોટ સહિત આખા ગુજરાતમાં માર્ગ અકસ્માતોના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે 18 વર્ષથી નાની ઉંમર હોય તેવા સગીરે એક વર્ષની અંદર 727 અકસ્માતો કર્યા હોવાના સત્તાવાર આંકડા પણ સામે આવ્યા છે તો રાજ્યમાં દર વર્ષે 18 વર્ષની નાની ઉંમરના 446 સગીર મોતને પણ ભેટ્યા છે. આ આંકડો ઘટાડવા તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ કરવામાં આવી હતી.
સાત દિવસ સુધી કરાયેલી આ ડ્રાઈવ દરમિયાન 707 વિદ્યાર્થીઓ નિયમોનો ભંગ કરતાં પકડાતાં તેમની પાસેથી 3.90 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ-અલગ સ્કૂલ-કોલેજ બહાર ગોઠવાઈને વાહન લઈને આવતાં વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ-પીયુસી સહિતના દસ્તાવેજી પૂરાવા છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવતાં ૭૦૭વિદ્યાર્થી પાસે માન્ય આધાર-પૂરાવા ન હોવા છતાં વાહન ચલાવી રહ્યાનું ધ્યાન પર આવ્યું હતું. આ રીતે જોવા જઈએ તો રાજકોટમાં દરરોજ 101 વિદ્યાર્થી ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પકડાયા હોવાનું ફલિત થાય છે. બીજી બાજુ પોલીસ દ્વારા સાત વાહન ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.