દીકરીના ઘરે પારણું ઝુલાવે તે પહેલા જ કિરણબેનનો જીવનદીપ બુઝાયો : રાજકોટ સિટી બસ અકસ્માત બાદ પરિવારે કર્યું ચક્ષુદાન
રાજકોટની બેફામ બનેલી સીટી બસએ કક્કડ પરિવારનાં સુખી માળાને વિખી નાંખ્યો હતો. હજુ તો નવાં સાસુ બનેલાં અને “નાની”ની ગુંજ સાંભળે એ પહેલાં કિરણબેનનાં શ્વાસ બસની ઠોકરે છીનવી લીધાં, ઇન્દિરા સર્કલ પાસે સીટી દુર્ઘટનામાં સ્વિમિંગ માટે જઈ રહેલા સાસુ-વહુનું સ્કૂટર ઠોકરે ચડડ્યું હતું. આ પરિવાર કોટેચા ચોકમાં શાંતિની કેતન સોસાયટી શેરી નંબર 18 માં રહે છે. તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં જ કિરણબેનનાં સી.એસ.પુત્ર જીત કક્કડનાં નેહા સાથે લગ્ન થયા હતા. કિરણબેન છેલ્લા પાંચ વર્ષથી કાલાવડ રોડ પર આવેલા કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલના સભ્ય હતા.તેઓએ સ્વિમિંગમાં અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પર મેળવ્યાં છે.
તેમનાં પુત્રવધુ નેહા પણ સ્વીમર હોવાથી કિરણબેનએ થોડા સમયથી નેહાને ફરીથી સ્વિમિંગ શરૂ કરાવ્યું હતું. દરરોજ સવારે 10 વાગ્યે સાસુ-વહુ સ્કૂટર પર સ્વિમિંગ માટે જતાં, ગઈકાલે પણ સ્વિમિંગ માટે નીકળ્યાં હતા અને પુત્રવધુ નેહા સ્કૂટર ચલાવતી હતી, આ સમયે હજુ સ્વિમિંગ માટે પહોંચે એ પૂર્વે બસની ઠોકર લાગી… આ ઘટનાની સાક્ષી બનેલી નેહાએ જણાવ્યું હતું કે, અમે તો સ્કુટરમાં જતાં હતાં અને અચાનક ધક્કો આવ્યો ને અમે પડી ગયા. હું જમણી બાજુ અને મમ્મી બીજી બાજુ પડડ્યાં, તુરંત જ મેં મારા હસબન્ડને કોલ કરતાં પપ્પા અને જીત ઘટનાસ્થળે આવી ગયા અને અમે મમ્મીને સીનર્જી હોસ્પિટલ લઈ ગયા પણ મમ્મી બચી ન શક્યાં.
હવે હું શું કરીશ કિરણ વિના : પતિનો આક્રંદ
અચાનક બનેલી ઘટનાને આ પરિવાર સ્વીકાર કરવા તૈયાર નથી. કિરણબેનનાં પતિ ચંદ્રેશ કુક્કડએ વોઈસ ઓફ ડે’ સાથેની વાતમાં જણાવ્યું કે, સવારે સવારે અમે બે કલાક હીંચકે ઝૂલીને વાર્તા કરતાં ત્યાર બાદ કામ પર લાગતાં, હવે હું શું કરીશ કિરણ વિના…!!! મારી દીકરી માનસી પ્રેગ્નેન્ટ છે તેના ઘરે પારણું ઝુલાવે તે પહેલા કિરણનો જીવનદીપ બુઝાઈ ગયો. નાની તરીકેનાં તેનાં મનમાં ઓવારણાં હતાં પણ આ અકસ્માતએ છીનવી લીધાં, કોણ કોને સાંત્વના આપે એવી પરિસ્થિતિ કક્કડ પરિવારમાં છે. સદ્ગત કિરણબેન ચક્ષુદાન સાથે અનેકનાં જીવનમાં અજવાસ પાથરતા ગયા છે.