ભાવનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના:સિમેન્ટ મિક્સર ટ્રક પલટી જતા બે મજૂરો દબાયા, ત્રણ ક્રેનની મદદથી બચાવીને સારવારમાં ખસેડવામાં આવ્યા
ભાવનગર શહેરના ઘોઘા રોડ સ્થિત લીંબડીયું વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ-કોંક્રિટ મિક્સર ટ્રક સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ ખાલી કરી રહ્યો હતો ત્યારે અચાનક પોચી જમીનમાં ફસાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાઇટ પર કામ કરી રહેલા બે શ્રમજીવીઓ મિક્સર નીચે દબાઈ ગયા હતા.
બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે ત્રણ હેવી ડ્યુટી ક્રેન મંગાવી હતી. સલામતીના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડના જવાનોએ અથાગ પ્રયત્નો બાદ મિક્સર ટ્રકને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બંને શ્રમજીવીઓને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આ મામલે પોલીસે આ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.