ઈંટ ઉત્પાદકોને વૈકલ્પિક જમીનની માપણી કરી નિયત નમૂનાની સનદ સાથે સોંપી આપવા માંગ
આણંદપરમાં ઇંટોના ભઠ્ઠા ઉપર થનારી ડિમોલીશનની કાર્યવાહી સામે ઈંટ ઉત્પાદક સંઘે યોજી પત્રકાર પરિષદ
રાજકોટ મામલતદાર દ્વારા આણંદપરમાં ઈંટના ભઠ્ઠા ધારકોને ડિમોલિશન અંગે 5 દિવસ પહેલા નોટિસ પાઠવતા ઈંટના ભઠ્ઠા ધારકો વતી રાજકોટ ઈંટ ઉત્પાદક સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
આ પત્રકાર પરિષદમાં રાજકોટ ઈંટ ઉત્પાદક સંઘના પ્રમુખ રતીભાઈ ગોરડીયાએ જણાવ્યું હતું કે, આણંદપરના સર્વે નં.207 પૈકીમાં 211 ઈંટ ભઠ્ઠા ધારકોને આજીનદી અને શહેરના અન્ય વિસ્તારમાં ચાલતા ઈંટ ભઠ્ઠાની સામે વૈકલ્પિક જમીન મહેસૂલ વિભાગ દ્વારા તા.7/5/1994ના પત્રથી ફાળવી છે. મહેસૂલ વિભાગના પત્રની ગાઈડ લાઇન મુજબ ઈંટ ઉત્પાદકોએ આજીનદી અને શહેરી વિસ્તારમાં ચાલતા પોતાના ઈંટ ભઠ્ઠા એકમની જમીન સરકારને ખાલી કબજે સોંપેલ છે. તેમજ વૈકલ્પિક જમીનની બજાર કિમત મુજબ થતી કબજા કિમત પણ ભરપાઈ કરી છે.
ઈંટ ઉત્પાદકોએ પોતાને મળનાર વૈકલ્પિક જમીનની કબજાની કિમત ભર્યા બાદ મહેસૂલ વિભાગના 1994 ના પત્રની ગાઈડલાઇન મુજબ સ્થાનિક તંત્રે વૈકલ્પિક જમીનમાં ખૂંટમાપ મુજબ પ્લોટીંગ કરી નિયત નમૂનાની સનદ સોંપી કાર્યવાહી પૂર્ણ કરવાની થતી હતી, પરંતુ આ બંને કામ સનાથિક તંત્રએ કર્યા વગર વૈકલ્પિક જમીન વર્ષ 2010માં કલેકટરે શરતભંગ કરી હતી જેની સામે ઈંટ ઉત્પાદકો કલેક્ટરમાં ત્યારબાદ નાયબ કલેકટર અને પુન:કલેક્ટરમાં અપીલમાં ગયા હતા. જેમાં ઈંટ ઉત્પાદકોની રજૂઆતના ખોટ અર્થઘટન કરી શરતભંગ કરી છે. તેવો આક્ષેપ ઈંટ ઉત્પાદક સંઘના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ઈંટ ઉત્પાદકો પોતાને મળનારી વૈકલ્પિક જમીનના હક્ક માટે લડી રહ્યા છે. ત્યારે તેમને ન્યાયિક પ્રક્રિયાનો ચાન્સ આપ્યા વગર તા.17મી થનારી ડિમોલીશનની કાર્યવાહી માટે મુખ્યમંત્રી, કલેકટર સાહિતનાઓને તા.15/8/23ના ઈમેલ દ્વારા રજૂઆત કરાઇ છે. જેમાં કલેકટરના શરતભંગના છેલ્લા હુકમને રદ્દ કરી ઈંટ ઉત્પાદકોને વૈકલ્પિક જમીનની માપણી કરી નિયત નમૂનાની સનદ સાથે સોંપી આપવા પત્રકારો સમક્ષ જણાવ્યું હતું. તેમજ ઈંટ ઉત્પાદકોને ઉપલી કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરવા યોગ્ય સમય આપવા રજૂઆત કરી હતી.
