ખૂબ અપમાનિત અને હડધૂત થઇને 33 ગુજરાતીઓ અમેરિકાથી વતન પરત ફર્યા : એરપોર્ટ પર જોવા મળ્યા ભાવુક દ્રશ્યો
અમેરિકાથી લશ્કરી વિમાનમાં બેસાડીને ભારત પરત મોકલી દેવાયેલા તમામ 33 ગુજરાતીઓ ગુરુવારે સવારે 6:15 મિનિટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. એ તમામ લોકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જે તે જિલ્લાઓની પોલીસ દ્વારા તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. ખૂબ અપમાનિત અને હડધૂત થઇને પરત ફરેલા મોટાભાગના લોકોએ તેમના ચહેરા છુપાવવાની કોશિશ કરી હતી. કેટલાક લોકો રડી પડ્યા હતા. ઉતારુઓને પોલીસ દ્વારા કોર્ડન કરીને એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા હતા. આ બધાનું તેમના ઘરે પરિવારજનો સાથે મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હવે એ બધાની સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.
અમેરિકાથી ગેરકાયદે ભારતીય વસાહતીઓને લઈ અને
આવેલું વિમાન બુધવારે અમૃતસર એરપોર્ટ પર ઉતાર્યું હતું. ત્યાંથી 33 ગુજરાતી લોકોને ઇન્ડિગોની ફ્લાઈટ દ્વારા સવારે 6:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. એ પૂર્વે અમદાવાદની સ્થાનિક પોલીસ, એલસીબી, આઈબી અને એસઓજીના જવાનોનો જંગી કાફલો એરપોર્ટ પર ખડકી દેવામાં આવ્યો હતો. પ્લેનમાંથી બહાર આવેલા તમામ લોકોને ડોમેસ્ટિક લોન્જ પાસે રોકવામાં આવ્યા હતા. આઈબી દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે બધાના પાસપોર્ટ તેમજ કોન્ટેક નંબર ની ખરાઈ કરી હતી. સાથે જ જે તે જિલ્લાની પોલીસ પણ એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવી હતી.
પોલીસે કોર્ડન કરીને એક પછી એક વ્યક્તિને બહાર કાઢી હતી. તે સમયે તેમની સાથે વાત કરવાના પત્રકારોના પ્રયાસ અસફળ રહ્યા હતા.બાદમાં તમામ લોકોને જે તે જિલ્લાની પોલીસને સોંપણી કરવામાં આવી હતી અને એ પોલીસના વાહનોમાં જ બધાને તેમના વતનના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા. પરત ફરેલાઓમાં બે બાળકો સાથેનો એક પરિવાર પણ હતો. અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન ભાંગી પડ્યા બાદ પરત આવેલી એક યુવતી જોરદાર આંસુએ રડી પડી હતી.
અમદાવાદ એચ ડીવીઝન ના એસપી આર. ડી. ઓઝાના જણાવ્યા અનુસાર કોઈની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવી ન હતી. ઘરે પહોંચી ગયેલા લોકોની હવે જે તે જિલ્લાની પોલીસ પૂછપરછ કરશે.અમેરિકાથી પરત ફરેલા લોકોમાં સૌથી વધારે 14 વ્યક્તિ ગાંધીનગરની હતી. એ ઉપરાંત મહેસાણાના નવ પાટણના 4, અમદાવાદના 2 તથા બનાસકાંઠા, વડોદરા, આણંદ, અને ભરૂચની એક એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
હાથકડી પહેરાવવાને કારણે માનસિક હાલત ખરાબ: યુવતીના ભાઈનો દાવો
વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ નામની યુવતી ઘરે પહોંચી ત્યારે અત્યંત ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા. તેમના પરિવારજનો જોરદાર આંસુએ રડી પડ્યા હતા. બીજી તરફ પુત્રી પરત આવી ગયા ની ખુશી પણ હતી. ખુશ્બુ પટેલ કઈ રીતે અમેરિકા પહોંચી તે અંગે કોઈ જાણકારી ન હોવાનું એ પરિવારના મહિલાએ જણાવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડી હતી. વિમાનમાં હાથકડી પહેરાવવાને કારણે તેની માનસિક હાલત ઠીક ન હોવાનું તેના ભાઈએ જણાવ્યું હતું.
મીડિયાને દૂર રખાયું
અમદાવાદ એરપોર્ટ ઉપર જંગી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એક એક ઉતારુને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ એરપોર્ટની બહાર કાઢી જે તે જિલ્લાના પોલીસ વાહનોમાં બેસાડી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પત્રકારો પણ ઉપસ્થિત હતા પરંતુ તેમને પરત ફરેલા લોકોથી દૂર રાખવામાં આવ્યા હતા. મેણુંદ ગામે પોતાના ઘરે પરત ફરેલ કેતુલ પટેલ નામના યુવાનના ગભરાઈ ગયેલા પરિવારજનો એ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. એ જ રીતે ખોરાજ ગામે પરત ફરેલા કેતુલ દરજીના પરિવારજનોએ પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.