નાણા મંત્રાલયે જીએસટી ચોરી રોકવા શું બનાવ્યો છે પ્લાન ? શું છે પાયલટ પ્રોજેક્ટ ?
કેન્દ્ર સરકાર હવે ટેક્સ ચોરીના હેતુથી બનાવાયેલ અનેક બોગસ પેઢીઓ પર ફંદો કસવા જઈ રહી છે . હવે નવી પેઢીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ માટે તૈયારી થઈ રહી છે અને સરકાર હવે સખત પગલાં લઈ શકે છે. આ માટેના પાયલટ પ્રોજેક્ટની ટ્રાયલ ગુજરાત અને આસામમાં પૂરી થઈ ગઈ છે . જીએસટી ચોરી રોકવા માટે આ પગલું લેવાઈ રહ્યું છે .
અત્યારે તો આધાર આધારિત વેરિફિકેશન પ્રક્રિયા મારફત નવી પેઢીનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે . જેમાં આધારમાં શામેલ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ જાય છે ત્યારબાદ તેને રજીસ્ટ્રેશનના સમયે ફીડ કરીને પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવે છે .
પરંતુ સતત વધી રહેલા જીએસટી ચોરીના મામલાઓને જોઈને કેન્દ્ર સરકાર ચોંકી ગઈ છે. એટલા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ બદલી નાખવાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે અને આમ કરીને ટેક્સ ચોરી પર લગામ મૂકવાનો પ્રયાસ કરવામાં આવશે .
નાણા મંત્રાલયના નિર્દેશ મુજબ પેઢીઓના રજીસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા પર પાયલટ પ્રોજેક્ટ હેઠળ કામગીરી શરૂ થઈ ગઈ છે . નાણા મંત્રીએ મીડિયાને એવી માહિતી આપી હતી કે પ્રોજેક્ટ હેઠળ ગુજરાત અને આસામમાં ટ્રાયલ પૂરી થઈ ગઈ છે . હવે થોડા સમય બાદ સમગ્ર દેશમાં લાગુ કરી દેવાશે .
એમણે એમ પણ કહ્યું હતું કે હવે આ એક જ પધ્ધતિ છે જેના થકી બોગસ પેઢીઓ પર અંકુશ મૂકી શકાય છે . આ પ્રક્રિયામાં જે વ્યક્તિના નામે પેઢીનું રજીસ્ટ્રેશન થવાનું હશે તેના ફિગરપ્રીન્ટને સ્કેન કરાશે. આ સમયે વ્યક્તિની હાજરી જરૂરી રહેશે.