રાજકોટમાં વધુ ત્રણ ઈંચ સાથે મોસમનો કુલ 45 ઈંચ વરસાદ
ભારે વરસાદ વચ્ચે બુધવારે પણ વૃક્ષ પડવા અને પાણી ભરવાની ફરિયાદોનો મારો
ઇસ્ટ ઝોન પ્રત્યે મેઘરાજાનું ઓરમાયું વર્તન, સેન્ટ્રલ ઝોનમાં 12 ઈંચ વધુ વરસાદ
રાજકોટ : વરસાદ માટે તરસી રહેલા રાજકોટને મેઘરાજાએ ચાર દિવસમાં જળતરબોળ કરી દીધું છે ત્યારે બુધવારે સવારે 6 વાગ્યાથી સતત મેઘસવારી જારી રહેતા સાંજના 6 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં વધુ 3 ઈંચ જેટલો વરસાદ વરસતા રાજકોટનો મોસમનો કુલ વરસાદ 45 ઇંચને પર કરી ગયો છે, જો કે, મજાની વાત તો એ છે કે, એક જ શહેરમાં મેઘરાજાએ અંતરો કરી ઇસ્ટ ઝોનની તુલનાએ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસાવ્યો હતો.
રાજકોટ શહેર અને જિલ્લામાં તા.25મીથી શરૂ થયેલ ધોધમાર વરસાદની મોસમ બુધવારે પણ ચાલુ રહેતા રાજકોટ શહેરમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ઇસ્ટ ઝોનમાં 40 મીમી, વેસ્ટ ઝોનમાં 71 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 72 મીમી વરસાદ વરસ્યો હતો. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે બુધવારે પણ શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ પડવા અને પાણી ભરાવાની ફરિયાદો મહાનગર પાલિકાને મળતા પાણી ભરાતા હોય તેવા સ્થળોએ ફાયર વિભાગે ત્રણથી ચાર લોકોની ટીમોને તૈનાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બુધવારે એકંદરે મેઘરાજા શાંતિપૂર્વક વરસ્યા હતા આમ છતાં સાંજના સમયે રાજકોટના કાલાવડ રોડ ઉપર અંડરબ્રિજમાં જળભરાવ થતા મહાનગર પાલિકા દ્વારા અંડરબ્રિજને બંધ કરાવી પાણીનો નિકાલ કર્યો હતો જો કે, સતત પાણી નિકાલ કરવા છતાં અંદાજે એકાદ કલાકથી વધુ સમય સુધી અંડરબ્રિજ બંધ રહેતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
જામનગર અને દ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી
બુધવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 231 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 185 મીમી, ખંભાળિયામાં 182 મીમી, દ્વારકામાં 180 મીમી, કલ્યાણપુરમાં 176 મીમી, જામનગરના લાલપુરમાં 143 મીમી, જામજોધપુરમાં 124 મીમી,કાલાવડમાં 117 મીમી,રાજકોટના લોધીકામાં 90 મીમી, રાજકોટ શહેરમાં 74 મીમી, ધોરાજીમાં 74 મીમી, પોરબંદરમાં અને રાણાવાવમાં 73-73 મીમી, જામનગરમાં 69 મીમી, કુતિયાણામાં 67 મીમી, કચ્છના લખપતમાં 62 મીમી, નખત્રાણામાં 55 મીમી, જામકંડોરણામાં 55 મીમી,ઉપલેટામાં 51 મીમી અને પડધરીમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.