બેન્કના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા રિઝર્વ બેન્ક મેદાને…
લેવડ-દેવડ માટે ગ્રાહકોને કોલ કરવા 1600 નંબરનો ઉપયોગ કરવાની બેન્કોને સૂચના આપી : એસએમએસ માટે 140 નંબરનો ઉપયોગ
સતત વધી રહેલા ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેન્કે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઇએ બેન્કોને કહ્યું કે, ગ્રાહકોને લેવડ-દેવડ માટે કૉલ કરવા ફક્ત ‘1600’ ફોન નંબર સીરિઝનો ઉપયોગ કરવો. જો બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓ પ્રમોશનલ હેતુઓ માટે ગ્રાહકોને ફોન અથવા એસએમએસ કરે તો તેમણે ‘140’ ફોન નંબર સીરિઝનો ઉપયોગ કરવો જોઈએ. આમ ગ્રાહકોને સુરક્ષિત રાખી શકાય છે . બેન્કનો નવો આદેશ બેન્કો અને ગ્રાહકો માટે ઘણો ઉપયોગી બની શકે છે .
આરબીઆઈનું માનવું છે કે, આનાથી નાણાકીય છેતરપિંડી પર અંકુશ આવશે. આ ઉપરાંત આરબીઆઇએ બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓને તેમના ગ્રાહક ડેટાબેઝનું નિરીક્ષણ કરવા અને બિનજરૂરી ડેટા હટાવી દેવા માટે જણાવ્યું છે.
બેન્કોને જારી કરાયેલા એક સર્ક્યુલરમાં બેન્કે યોગ્ય ચકાસણી પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવા અને રદ કરાયેલા મોબાઈલ નંબરો સાથે જોડાયેલા ખાતાઓનું નિરીક્ષણ વધારવા જણાવ્યું છે જેથી લિંક કરેલા ખાતાઓને ફ્રોડમાં સામેલ થવાથી રોકી શકાય.
રિઝર્વ બેન્કે 31 માર્ચ 2025 પહેલા નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે અને આરબીઆઇએ કહ્યું છે કે, ડિજિટલ વ્યવહારોના પ્રસારથી ગ્રાહકોને સુવિધા મળી છે પરંતુ તેનાથી છે ફ્રોડમાં પણ વધારો થયો છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે અને તેની સામે ઠોસ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
છેલ્લા ઘણા સમયથી ગ્રાહકો આ સમસ્યાથી પરેશાન રહ્યા છે .