પોલીસની સલાહ: રિક્ષામાં બેસો તે પહેલાં નંબર પ્લેટનો ફોટો પાડી લો !
જે રિક્ષામાં અગાઉથી પેસેન્જર અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ બેઠી હોય તો મુસાફરી કરવાનું ટાળો
આવી જ એક ગેંગ કે જે વૃદ્ધોને ટાર્ગેટ' કરી ખંખેરી લેતી'તી તેને પકડી લેવાઈ

રાજકોટમાં છેલ્લા થોડા સમયથી રિક્ષાગેંગેઉપાડો’ લીધો હોય તેમ અનેક મુસાફરોને રિક્ષામાં બેસાડીને ખંખેરી લેવાયાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ઘણાખરા લોકો એવા પણ હોય છે જેઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે ત્યારે આવી વધુ એક ગેંગને ઝોન-૨ એલસીબીની ટીમે દબોચી લીધી હતી. આ તકે પોલીસ દ્વારા એવી સલાહ પણ આપવામાં આવી હતી કે કોઈ પણ રિક્ષામાં બેસતાં પહેલાં તેની નંબરપ્લેટનો ફોટો પાડી લેવો જોઈએ જેથી કરીને કોઈ ગુનો બને તો ઉકેલ લાવવામાં સરળતા રહે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે રાજકોટના લોકો પાસે આ બધી પ્રક્રિયા કરવાનો ટાઈમ જ ક્યાં હોય છે ?!
ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે કાલાવડ રોડ પર જડ્ડુ’સ હોટેલ મેઈન રોડ પરથી ભાવેશ ગુગાભાઈ વાઘેલા, બેનાબેન રાહુલભાઈ દંતાણી અને હિનાબેન ઉર્ફે ડેભી ધર્મેશભાઈ જાદવને ૧૫,૦૦૦ની રોકડ, રિક્ષા સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે આ ગેંગમાં સામેલ નટુ દિનેશભાઈ કુવરીયા નાસી જવામાં સફળ રહ્યો હતો.
આ ગેંગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને વૃદ્ધોને રિક્ષામાં બેસાડવામાં આવતા હતા. વૃદ્ધ જેવા રિક્ષામાં બેસે એટલે રિક્ષામાં ધક્કામુક્કી કરી પેસેન્જરની નજર ચૂકવીને ખીસ્સામાંથી પાકિટ-રૂપિયા-મોબાઈલ સેરવી લેવાતાં હતા. કામ પૂરી થઈ જાય એટલે પેસેન્જરને એમ કહેવામાં આવતું હતું કે `અમારે તાત્કાલિક બીજે જવું પડે તેમ છે એટલા માટે તમે અહીં જ ઉતરી જાવ’ આમ કરીને આખી ગેંગ ફરાર થઈ જતી હતી.
