કાશ્મીરમાં ચિલ્લાઇ કલાનનો પ્રારંભ : ગાત્રો થીજાવતી ઠંડી
એક તરફ દેશમાં નવા વર્ષની ઉજવણીની તૈયારી શરુ થઇ ગઈ છે તો બીજી તરફ શિયાળાની તીવ્ર ઠંડીનો અનુભવ પણ થઇ રહ્યો છે. કાશ્મીરમાં 40 દિવસ સુધી ચાલતો તીવ્ર શિયાળો ‘ચિલ્લાઇ કલાન’ શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર સંપૂર્ણપણે થીજી ગયું છે. જેના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ કડકડતી શિયાળો શરૂ થવાની સંભાવના છે. જો કે આ વખતે ક્રિસમસ દરમિયાન હિમાલયમાં ઓછો બરફ પડશે તેવો અંદાજ છે.
‘ચિલ્લાઇ કલાન’ની પ્રથમ રાત્રે, કાશ્મીર ખીણમાં રાત્રિનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી કેટલાક ડિગ્રી નીચે ગયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1974 પછીની સૌથી ઠંડી રાત્રિ હતી. હવામાન કેન્દ્ર અનુસાર, 1974માં લઘુત્તમ તાપમાન માઈનસ 10.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વધુમાં, સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ માઈનસ 12.8 ડિગ્રી સેલ્સિયસ છે, જે 13 ડિસેમ્બર, 1964ના રોજ નોંધવામાં આવ્યો હતો.
સિમલા, કુફરી, રોહતાંગ પાસ, મનાલી, કુલ્લુ, શ્રીનગર, સિક્કિમ અને તવાંગ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ આ વખતે બરફની સફેદ ચાદર જોવા મળશે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 27 ડિસેમ્બરે પશ્ચિમ હિમાલય સુધી પહોંચે તેવી શક્યતા છે. આ વિક્ષેપ 27 થી 29 ડિસેમ્બરની વચ્ચે વ્યાપક હિમવર્ષા લાવી શકે છે.
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને લદ્દાખમાં 24 ડિસેમ્બર સુધી હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં 27મી ડિસેમ્બરની રાતથી 28મી ડિસેમ્બરની સવાર સુધી ભારે હિમવર્ષા થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં હળવી હિમવર્ષા તેમજ વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 ડિસેમ્બર સુધી હિમાચલ પ્રદેશ, જમ્મુ, પંજાબ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડા પવનની શક્યતા છે. આ સ્થળો પર યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઠંડા પવનો ચાલુ છે.
દિલ્હી, પંજાબ, આસામ અને મેઘાલય સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તી રહી છે જે 25 ડિસેમ્બર સુધી ચાલુ રહી શકે છે. ઠંડા પવનોને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં 24 ડિસેમ્બરથી હિમ પડવાની આગાહી કરવામાં આવી છે.