ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મુદે ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે પોલીસ ફરિયાદ
ગોંડલ ખાતે ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલને આમંત્રણ આપતા પાટીદાર નેતાએ ખોડલધામનાં આગેવાનને ફોન કરી ધમકાવ્યા : ઓડિયો ક્લિપ વાયરલ કરી
ગોંડલ ખાતે ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલને આમંત્રણ આપવા બદલ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાએ ખોડલધામનાં રાજુભાઈ સોજીત્રાને ધમકી આપતી અને સમાજમાં વૈમેનસ્ય ફેલાવતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી.જે મામલે જેતપુરના વેપારી અને ખોડલધામના સભ્યએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
આ મામલે પોલીસમાંથી મળતી માહિતી મુજબ જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટની સામે નંદનવન સોસાયટી ગેટવાળી શેરીમાં રહેતાં ઘનશ્યામભાઈ વિનોદભાઈ સોરઠીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપીમાં રાજુ લવજી સખીયા (રહે. ગોંડલ) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ પાટીદાર સમાજમાંથી છે.થોડા સમય પહેલા ખોડલધામ ખાતે સ્નેહમીલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમા મહેમાન તરીકે જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોંડલ) પધારેલ હતા. અન્ય મહેમાનો પણ પધારેલ હતા. કાર્યક્રમ બાદ સોશીયલ મીડીયામાં એક ઓડીયો કલીપ વાયરલ થઈ હતી.જેમાં ખોડલધામ સમીતીના આગેવાન રાજુભાઈ સોજીત્રા સાથે રાજુ સખીયાની વાતચીત કરતાં હતા.જેમાં રાજુ સખીયાએ રાજુભાઈ સોજીત્રાને કહેલ કે, ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ ગોંડલ કેમ બોલાવ્યા, લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવો છો, હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ કે ક્ષત્રીય સમાજના કે અન્ય કોઈ સમાજના લોકોને બોલાવશો તો અમે અથવા અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહી થવા દઇએ અને જરૂર પડયે હિંસા પણ કરીશું, તેવું ભડકાઉ, આપત્તીજનક, તથા બન્ને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક શબ્દો ઉચારયા હતા. અને તેણી ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી.
ઉપરાંત રાજુ સખીયાએ ભુતકાળમાં પણ બન્ને સમાજ (લેઉવા પટેલ તથા ક્ષત્રીય સમાજ) વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ભડકાઉ તથા ઉશ્કેરણીજનક વાક્યો ઉચ્ચારેલ હતા. જેથી આરોપીએ અભદ્ર વાણી વિલાસ કરી બન્ને સમાજની લાગણી દુભાવતા ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.