આજે ભાજપ-કોંગ્રેસના ૭૨ કોર્પોરેટરો ભજવશે નાટક’ !
મહાપાલિકાના જનરલ બોર્ડમાં લોકોને સ્પર્શતા એક પણ મુદ્દે ચર્ચા કરવાની જગ્યાએ આંકડાની માયાજાળ રચી એક કલાક સુધી થશે ટાઈમપાસ
કોંગ્રેસ વચ્ચે વચ્ચે ટોણા મારશે અને શાસકો તેનો વળતો જવાબ આપશે
રાજકોટ મહાપાલિકા દ્વારા દર બે મહિને જનરલ બોર્ડની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં લોકોને નડતી સમસ્યા અને પ્રશ્નો મુદ્દે અધિકારીઓ પાસેથી પદાધિકારીઓ દ્વારા જવાબ લેવામાં આવે છે. જો કે છેલ્લા ઘણા સમયથી જનરલ બોર્ડ જાણે કે
નાટક’ બની ગયું હોય તેવી રીતે એક કલાક સુધી ભાજપ-કોંગ્રેસના ૭૨ કોર્પોરેટરો તેમાં પોતપોતાની ભૂમિકા ભજવીને ખાધું પીધું'ને રાજ કર્યું'ની માફક છૂટા પડી જશે. શહેરમાં ભારે વરસાદ બાદ એક નહીં બલ્કે અનેક સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે જેમાં ખાડા મુખ્ય છે.
આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા, ગંદકી સહિતના પ્રશ્નો પણ એટલા જ ઉપસ્થિત થઈ રહ્યા છે અને જનરલ બોર્ડ થકી નગરસેવકો દ્વારા આ મુદ્દે અધિકારીઓ પાસેથી જવાબ લેવામાં આવે તેવી તાતી જરૂર છે પરંતુ કોઈને પણ રસ ન હોય તેવી રીતે અત્યંત કંટાળાજનક કહી શકાય તેવા પ્રશ્નો પૂછીને જનરલ બોર્ડનો એક કલાકનો સમય પસાર કરવામાં જ નગરસેવકોને રસ હોય તેવું લાગી રહ્યું છે.
આજે જનરલ બોર્ડ શરૂ થશે એટલે કોર્પોરેટરના પ્રથમ પ્રશ્નનો મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિસ્તૃત જવાબ આપવામાં આવશે. વચ્ચે વચ્ચે કોંગ્રેસ દ્વારા ઉભા થઈને ભાજપ ઉપર આક્ષેપો કરવામાં આવશે તો ભાજપના
નક્કી’ કરાયેલા કોર્પોરેટરો ઉભા થઈને કોંગ્રેસને પોખશે ! આ ઉપરાંત એક જ પ્રશ્નમાં અમુક નગરસેવકો પેટા પ્રશ્ન પણ પૂછશે. આમ કરીને બોર્ડની એક કલાક પસાર કરીને સૌ છૂટા પડશે…!