કર્ણાટકમાં ભાજપના શાસનમાં કોરોનાના વહીવટમાં કરોડોની લૂંટ
તપાસ પંચે 1722 પાનાનો અહેવાલ આપ્યો
1120 કરોડની ગેરરીતિ થયા હોવાનો ધડાકો
કર્ણાટકમાં ભાજપના શાસનકાળ દરમિયાન કોરોનાની દવાઓ, તબીબી સાધનો તથા અન્ય ખર્ચમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા ભૂતપૂર્વ હાઇકોર્ટ જજ જોન માઈકલ કુન્હાના નેતૃત્વ હેઠળના તપાસ પંચે 1120 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ આવવાનો અહેવાલ આપતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અહેવાલ મુખ્યમંત્રી સીદ્ધારમૈયાને સુપ્રત કર્યા બાદ કર્ણાટકના કાનૂન અને સંસદીય મંત્રી એમ કે પાટીલે આ માહિતી આપી હતી.
કોરોના મહામારી દરમિયાન જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો પહેલેથી થતા રહ્યા હતા. એ સમયની પબ્લિક એકાઉન્ટ કમિટીએ પણ આ કથિત ભ્રષ્ટાચાર અંગે નિર્દેશો આપ્યા હતા.બાદમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવતાં એ આક્ષેપો ની તપાસ કરવા માટે
ઓગસ્ટ 2023 માં જસ્ટિસ કુન્હા કમિશનનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિશનને માર્ચ 2020 માં પ્રથમ વખત લોકડાઉન થયું ત્યારથી 31 ડિસેમ્બર 2022 સુધીના તમામ ખર્ચની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એ અંગેનો વચગાળાના 1722 પાનના અહેવાલમાં અનેક પ્રકારનીઓ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. અનેક મહત્વની ફાઈલો ગુમ થઈ ગઈ હોવાનું અને અનેક ફાઈલો અનેક ફાઈલો પંચ સમક્ષ રજૂ ન કરી હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.
કર્ણાટક સરકારે આ પંચની મુદત છ મહિના માટે વધારે દીધી છે અને એ મુદત પૂરી થાય તે પહેલા અંતિમ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
એમકે પાટીલના જણાવ્યા મુજબ તપાસ પંચનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેનું વિશ્લેષણ કરવા માટે ચીફ સેક્રેટરી શાલીની રજનીશ, એડિશનલ ચીફ સેક્રેટરી ( ફાઇનાન્સ) એલ કે અથિક સહિતના ઉચ્ચ અધિકારીઓની એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી સમયે પણ આ મુદ્દે ગાજ્યો હતો
લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સીદ્ધારમૈયાએ ભાજપે કોરોનાના વહીવટમાં પણ ખાઈકી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર સાબિત કરવા માટે પૂરતા પુરાવા હોવાનો દાવો કરી તેમણે ભાજપના તત્કાલીન આરોગ્ય મંત્રી સુધાકર સો ટકા જેલમાં જશે એવી આગાહી કરી હતી. બીજી તરફ સુધાકરે આ અહેવાલ રાજકીય હોવાનો આક્ષેપ કરી અને એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર ન થયો હોવાનો વળતો દાવો કર્યો છે.