રાજકોટને 15 દિ’માં ચોખ્ખું કરી દેશે મનપા : કાંઈક તો વ્યાજબી ‘ફેંકો’ !!
દરરોજ અલગ-અલગ સ્થળે સફાઈ (નાટક) કરાશે
રાજકોટમાં ટ્રાફિક બાદ જો બીજી કોઈ મોટી સમસ્યા હોય તો તે સફાઈની છે. તંત્ર દ્વારા અનેક પ્રયાસ છતાં સફાઈનું ધોરણ ઉંચું આવવાનું નામ લઈ રહ્યું નથી. વળી, તંત્ર દ્વારા પણ અવનવા ગતકડાં કરીને રાજકોટને ચોખ્ખું-ચણાંક બનાવી દેવાની ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે જે અંતર્ગત હવે આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર સુધીના પખવાડિયામાં રાજકોટને ચોખ્ખું કરી દેવાની મસમોટી જાહેરાત કરવામાં આવી છે જે જોઈ-સાંભળીને લોકો એમ જ કહી રહ્યા છે કે કાંઈક તો
વ્યાજબી’ ફેંકો !
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે તા.૧૭થી ૨૨ સુધી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, રિક્ષા-ટેક્સી સ્ટેન્ડ, સાઈકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ સહિતની સફાઈ કરાશે. આ પછી ૨૩થી ૨૯ દરમિયાન ધાર્મિક, પ્રવાસન સ્થળો, મ્યુઝિયમ સહિતની સફાઈ, ૩૦થી ૬ ઑક્ટોબર દરમિયાન નદી, તળાવ, સરોવરની સફાઈ, ૭થી ૧૩ ઑક્ટોબર સર્કલ, ચાર રસ્તા અને પ્રતિમા સહિતની સફાઈ, ૧૪થી ૨૦ ઑક્ટોબર તમામ માર્કેટ, ૨૧થી ૨૭ દરમિયાન તમામ સરકારી કચેરીઓ, ૨૮થી ૩૧ સુધી તમામ એન્ટ્રી પોઈન્ટ સહિતના વિસ્તારો તેમજ ૧૭થી ૩૧ સુધી શહેરના મુખ્ય માર્ગોની સફાઈ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.