રાજ્યના ગરીબોનું 27મીએ કલ્યાણ થશે
રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ મંત્રીની હાજરીમાં યોજાશે ગરીબ કલ્યાણમેળા
તમામ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને ડીડીઓને લાભાર્થીઓની યાદી બનાવવા આદેશ
રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા આગામી તા.27 નવેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળા યોજવા નક્કી કરી તમામ જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને ડીડીઓને લાભાર્થીઓની યાદી તાત્કાલિક બનાવવા આદેશ કરી અલગ અલગ 20 સૂચનાઓ આપી ગરીબ કલ્યાણમેળા રાજ્ય સરકારની મહત્વની યોજના હોવાથી જિલ્લા તાલુકાના પદાધિકારીઓ સાથે સુભગ સમન્વય સાધવા પણ ટકોર કરવામાં આવી છે.
રાજ્યના અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાએ રાજ્યના તમામ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને ડીડીઓને મહત્વપૂર્ણ સૂચના આપતો પરિપત્ર કરી આગામી તા.27 નવેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હય અલગ-અલગ 20 મુદ્દે તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે.વધુમાં રાજ્ય સરકારે ગરીબ કલ્યાણમેળા રાજ્ય સરકારની મહત્વની યોજના હોવાથી જિલ્લા તાલુકાના પદાધિકારીઓ સાથે સુભગ સમન્વય સાધવા સૂચના આપી રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંગે પ્રચાર પ્રસાર કરવા તેમજ લાભાર્થીઓ બેવડાઈ નહીં તે જોવા તાકીદ કરી છે.
સાથે જ સરકારે અગાઉના ગરીબ કલ્યાણ મેળા થકી પગભર બનેલા લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી બનાવી પ્રસિદ્ધ કરાવવા તેમજ લાભાર્થીઓને આપવાની કીટ યોગ્ય ચકાસણી કરી ખરીદવા તેમજ યોગ્ય સ્થળે રાખવા સૂચના આપી ગરીબ કલ્યાણ મેળામા આવનાર લાભાર્થીઓ માટે ફૂડ પેકટ પાણીની વ્યવસ્થા સહિતના આયોજનો ઘડી કાઢવા સૂચના અપાતા તમામ તંત્ર વાહકો ગરીબ કલ્યાણ મેળાના આયોજનમાં કામે લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
