૨૦મીએ મહાપાલિકામાં ભજવાશે નાટક: નામ: જનરલ બોર્ડ !!
ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો એકબીજા ઉપર આક્ષેપબાજી કરશે’ને ૧ કલાક બાદ સાથે જ નીચે પણ ઉતરશે…
૭૨માંથી એક પણ કોર્પોરેટરને રાજકોટના ખાડાની, ટ્રાફિકની, પ્રદૂષણની, વરસાદને કારણે શહેર જળમગ્ન થયું તે સહિતની સમસ્યા દેખાતી જ નથી જે શહેરીજનોની કમનસીબી
ભાજપના ૧૮ નગરસેવકોએ ૩૫ તો કોંગ્રેસના ત્રણે ૯ પ્રશ્નો પૂછયા: એકાદ પ્રશ્નમાં જ આખું જનરલ બોર્ડ આટોપાઈ જશે: સાગઠિયા-ખેર સામે કેસ ચલાવવા મંજૂરી આપવા સહિતની ૨૨ દરખાસ્તો
મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ભાજપ-કોંગ્રેસના નગરસેવકો દ્વારા લોકોને નડતી સમસ્યાને લઈને અધિકારીઓ શું કામગીરી કરી રહ્યા છે તેને લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વખતની ટર્મમાં ભાજપ પાસે મબલખ' બહુમતિ હોવાને કારણે કોંગ્રેસનું પાંચીયું પણ ઉપજી રહ્યું નથી અને આ વાત પાછલા અનેક જનરલ બોર્ડની કાર્યવાહીથી સાબિત પણ થઈ ચૂકી છે.
એકંદરે જનરલ બોર્ડ હવે સમસ્યાને વાચા આપવા માટે નહીં બલ્કેનાટક’ જ બની ગયું હોય તેવું લોકોને લાગ્યા વગર રહેતું નથી ત્યારે ફરી ૨૦મીએ આ પ્રકારનું જનરલ બોર્ડ મળવાનું છે જેમાં એક કલાક સુધી ભાજપ-કોંગ્રેસના કોર્પેારેટરો એકબીજા ઉપર આક્ષેપબાજી કરશે અને જેવી બોર્ડની કાર્યવાહી પૂર્ણ થશે કે સાથે જ નીચે પણ ઉતરતાં જોવા મળશે…!
શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે ત્યારે આવું શા માટે બન્યું ? ખાડા ક્યારે બૂરાશે ? ફરી આવું ન બને તે માટે તંત્રનું શું પ્લાનિંગ છે ? આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા શહેરમાં ચારે બાજુ વકરી રહી છે તેના નિવારણ માટે મહાપાલિકા તેના હસ્તકની જવાબદારી કેવી રીતે નીભાવે છે ? વરસાદને કારણે આખું શહેર જળમગ્ન થઈ ગયું, અનેક બ્રિજ બંધ કરવા પડ્યા, લોકો પારાવાર હેરાન થયા, દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે છતાં આ સ્થિતિ કેમ નિર્માણ પામી ? આ સહિતના અનેક પ્રશ્નો છે પરંતુ આમાંથી એક પણ પ્રશ્ન ભાજપ-કોંગ્રેસના ૭૨માંથી એક પણે પૂછવાની તસ્દી લીધી તે નરી વાસ્તવિક્તા છે.
આ જનરલ બોર્ડમાં ભાજપના ૧૮ નગરસેવકોએ ૩૫ તો કોંગ્રેસના ત્રણ નગરસેવકોએ નવ પ્રશ્ન પૂછયા છે. જનરલ બોર્ડની કાર્યવાહી વોર્ડ નં.૧ના ભાજપ કોર્પોરેટર હિરેન ખીમાણીના પ્રશ્નથી શરૂ થશે અને પાછલા બોર્ડની માફક પ્રથમ પ્રશ્નમાં જ તમામ એક કલાક પૂર્ણ કરી નાખવાની રણનીતિ સાથે જ ભાજપ મેદાને ઉતરશે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ભાજપને `ખૂંચે’ તેવા પ્રશ્નો પૂછાયા છે પરંતુ તે ચર્ચામાં આવે તેવી શક્યતા નહીંવત્ છે.
આ ઉપરાંત બોર્ડની કાર્યવાહીમાં અલગ-અલગ ૨૨ દરખાસ્તો અંગે પણ નિર્ણય લેવામાં આવશે જેમાં કરાર આધારિત વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત પરિવારને નાણાકીય સહાય ચૂકવવા, વોર્ડ નં.૩માં બેડીનાકા પાસે આજી નદી કાંઠે આવેલા આશ્રય સ્થાનનું ડિમોલિશન કરવા, તત્કાલિન ટીપીઓ સાગઠિયા તેમજ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સામે કેસ ચલાવવા માટેની મંજૂરી આપવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે.
