ઉત્તરાખંડના પર્વતો પર સીઝનની પ્રથમ હિમવર્ષા
સપ્ટેમ્બર મહિનામાં બરફ પડવાથી વાતાવરણ ઠંડુ અને શુષ્ક બન્યુ
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદની સાથે સાથે ઊંચા શિખરો પર સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ હિમવર્ષાના કારણે વાતાવરણ ઠંડુ અને શુષ્ક બની ગયું છે. આ હિમવર્ષા ભારત-ચીન સરહદ પર બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ અને વેલી ઓફ ફ્લાવર્સના ઊંચા શિખરો પર થઈ છે.
હિમવર્ષા પછી, બદ્રીનાથ અને મેરુ-સુમેરુ પર્વતનાં શિખરો સફેદ બરફથી ઢંકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકથી પહાડોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિદાય લેતા ચોમાસાની સાથે ઠંડીમાં એકાએક વધારો થતાં લોકો ઘરોમાં ઘુસી ગયા છે.
સતત વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યો છે. જોશીમઠ મલારી નીતિ મોટર રોડ લતા પાસેના પહાડી પરથી આવતા કાટમાળ અને પથ્થરોને કારણે બંધ છે. નંદપ્રયાગમાં સતત ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે બંધ છે. અવારનવાર માર્ગ બંધ થવાના કારણે યાત્રાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકો સુધી મુસાફરોના વાહનો લાંબા ટ્રાફિક જામમાં અટવાયા છે. સતત વરસાદના કારણે ચારધામ યાત્રાને પણ અસર થઈ છે. ભારે વરસાદને કારણે લોકો હવે ઘરની બહાર ઓછા નીકળી રહ્યા છે.