3.40 કરોડની છેતરપિંડી કરનાર સ્વામીનો સાગરીત પાંચ દિવસના રિમાન્ડ પર
રાજકોટના એસ્ટેટ બ્રોકર સાથે
રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાને બાતમી મળતા લાલજીને સુરતથી સરથાણા પોલીસે પકડ્યો’તો : ભક્તિનગર પોલીસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સહિત 8 સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો
સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટનાં જમીન મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક સાથે 3.40 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નાસતા ફરતા આરોપી લાલજી ઢોલાને સુરતથી પોલીસે ઝડપી લીધો હતો.અને રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરતાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
બનાવની વિગત મુજબ પોઇચા ખાતે છે તેવું સ્વામિનારાયણ મંદિર બનાવવા અને ગૌશાળા બનાવવાનું કહીં જમીન મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક અને તેમના પાર્ટનરને વિશ્વાસમાં લઈ 3.40 કરોડની છેતરપિંડી કરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સહિત 8 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી કરોડો પડાવ્યા હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં આરોપી તરીકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય ચૌહાણના નામ આપ્યા હતા.
તમામ આરોપીને પકડવા રાજકોટના આર્થિક ગુના નિવારણ શાખાનો સ્ટાફ દોડધામ કરી રહ્યો હતો.દરમિયાન હ્યુમન રિસોર્સથી રાજકોટ પોલીસને જાણકારી મળી હતી કે, લાલજી સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય સામે ઉભો છે. તુરંત રાજકોટના આર્થિક ગુના નિવારણ શાખાના સ્ટાફે સરથાણા પોલીસને જાણ કરી હતી. અને અહીંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
બાદમાં આરોપીને રાજકોટ લાવવામાં આવ્યો હતો.અને તેને ગઇકાલે રિમાન્ડની માંગણી સાથે આર્થિક ગુના નિવારણ શાખાએ કોર્ટમાં રજૂ કર્યો હતો.જેમાં કોર્ટ દ્વારા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ગુનો નોંધાય બાદ તે કયા કયા છુપાયો હતો.અને અન્ય આરોપીઓ કયા છુપાયા છે.તે દિશામાં તેની પૂછતાછ કરવામાં આવવાની છે