- નિકોલસ પૂરને ૧૩ બોલમાં ૩૫ તો શાઈ હોપે ૨૪ બોલમાં ઝૂડ્યા ૪૨ રન
નિકોલસ પૂરનની માત્ર ૧૩ બોલમાં ૩૫ રનની વિસ્ફોટક ઈનિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે આફ્રિકાના ૩-૦થી સૂપડા સાફ કર્યા હતા. વરસાદથી પ્રભાવિત ત્રીજી ટી-૨૦ મેચમાં કેરેબિયન ટીમે ડકવર્થ લુઈસ પદ્ધતિના આધારે આઠ વિકેટે કચડીને શ્રેણી પોતાના નામે કરીહતી. પહેલાં બેટિંગ કરી રહેલી આફ્રિકી ટીમે પાંચ ઓવર જ રમી હતી કે ફરી વરસાદ પડતાં મેચ ૧૩-૧૩ ઓવરની કરાઈ હતી.
વરસાદને કારણે બ્રેકના સમયે આફ્રિકાનો સ્કોર ૨૩-૦ હતો.
આ પછી ટ્રિસ્ટન સ્ટબ્સે ૧૫ બોલમાં ૪૦ રન બનાવીને ૪ વિકેટે ૧૦૮ રન સુધી સ્કોર બનાવ્યો હતો. એકંદરે આફ્રિકાએ નિર્ધારિત ૧૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૦૮ રનનો પડકારજનક સ્કોર કર્યો હતો.જવાબમાં વિન્ડિઝને પ્રથમ ઓવરમાં જ ઝટકો લાગ્યો હતો. એલિક એથનાઝે ત્રણ બોલમાં માત્ર એક રન બનાવીને બ્યોર્ન ફોર્ટૂઈનનો શિકાર થયો હતો. આ પછી નિકોલસ પૂરનનો શો શરૂ થયો હતો. ત્રીજા નંબરે આવેલા પૂરને ૨૬૯ના સ્ટ્રાઈક રેટથી ૧૩ બોલની ઈનિંગમાં તોફાની ૩૫ રન બનાવ્યા હતા જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. ચોથી ઓવરમાં પૂરન જ્યારે આઉટ થયો ત્યારે વિન્ડિઝની જીત લગભગ નિશ્ચિત બની ગઈ હતી.
આ પછી શિમરન હેટમાયર અને શાઈ હોપે આફ્રિકી બોલરોની ધોલાઈ શરૂ કરી હતી. હોપે ૨૪ બોલમાં અણનમ ૪૨ તો હેટમાયરે ૧૭ બોલમાં અણનમ ૩૧ રન બનાવ્યા હતા. આ રીતે વિન્ડિઝે ૨૨ બોલ પહેલાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.