૮ દિ’માં રાજકોટને ચોખ્ખું-ચણાંક, ગાબડામુક્ત કરો
વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ, ડે્રનેજ લાઈન ઓવરફ્લો-ચોકઅપ, તૂટેલા વૃક્ષ હટાવવા સહિતની કામગીરીમાં `ઝડપ’ લાવવા આદેશ
મહાપાલિકામાં સવારથી લઈ સાંજ સુધી મેરેથોન બેઠક
ભારે વરસાદે રાજકોટના રોડ-રસ્તાની વલે કરી નાખતાં લોકોની હાલત કફોડી થઈ જવા પામી છે. વરસાદે વિરામ લીધાને સપ્તાહ વીતવા આવ્યું છતાં હજુ ઠેર-ઠેર પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે તો ઠેર-ઠેર ગાબડારાજ સર્જાઈ ગયું છે. લોકો દ્વારા દરરોજ ફરિયાદો કરવામાં આવી રહી છે છતાં કોઈ જ નિરાકરણ આવી ન રહ્યાનું ધ્યાન પર આવતાં હવે મામલો પદાધિકારીઓએ પોતાના હાથ ઉપર લીધો છે. મહાપાલિકા કચેરીમાં આજે સવારથી જ ડે.મેયર, સ્ટે.કમિટી ચેરમેન, શાસક પક્ષના દંડક તેમજ કોર્પોરેટરોની હાજરીમાં વિધાનસભા વિસ્તારવાઈઝ બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો જેમાં આઠ દિવસની અંદર રાજકોટને ચોખ્ખું-ચણાંક તેમજ ગાબડામુક્ત કરવા આદેશ છૂટતાં જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
બેઠકમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવા, મુખ્ય રોડ પર પડેલા ગાબડાં બૂરવા, ડે્રનેજ લાઈન ઓવરફ્લો તેમજ ચોકઅપ હોય તેને તાત્કાલિક ક્લિયર કરવા, પડી ગયેલા વૃક્ષ ઝહપથી દૂર કરવા, દરેક વિસ્તારની આક્રમક રીતે સફાઈ, બંધ સ્ટ્રીટલાઈટ ચાલું કરવા, રોગચાળો ફેલાય નહીં તે માટે દવાનો છંટકાવ કરવા, ફોગિંગ કરવા સહિતની સુચના આપવામાં આવી હતી. સૌથી પહેલાં વિધાનસભા-૬૮ના વોર્ડ નં.૪,૫,૬,૧૫ અને ૧૬ની બેઠક મળી હતી. આ પછી વિધાનસભા-૭૦, વિધાનસભા-૬૯ અને વિધાનસભા-૭૧ની બેઠક બોલાવાઈ હતી જેમાં કોર્પોરેટરો સહિતનાને પણ હાજર રાખવામાં આવ્યા હતા.
બેઠકો તો મળ્યે રાખશે, કામ ક્યારે શરૂ થશે ?
પ્રબુદ્ધ નાગરિકોએ રોષપૂર્વક જણાવ્યું કે વરસાદ રોકાઈ ગયાને ઘણા દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી મહાપાલિકા કચેરીમાં માત્રને માત્ર બેઠકો જ મળી રહી છે. મહાપાલિકા પાસે કામઢા' ઈજનેરોની ફૌજ છે આમ છતાં કામ ક્યાંથી અને ક્યારથી શરૂ કરવું તેની કોઈને ખબર જ નહીં પડતી હોય કે
ઉપર’થી આદેશ છૂટે પછી જ કામ કરવાની તેમની ગણતરી હશે ? જે હોય તે પરંતુ વરસાદ રોકાયાના આટલા દિવસ બાદ પણ રાજકોટ હાડમારી વેઠી રહ્યું છે તે વરવી વાસ્તવિક્તા છે.