સાઉદી અરેબિયાના પ્રિન્સને સતાવી રહ્યો છે પોતાની હત્યા થવાનો ભય : અમેરિકા પાસે સિક્યુરિટી ગેરંટી માંગી
ઇઝરાયેલ સાથે સબંધો સામાન્ય બનાવવાના પ્રયાસોમાં જાન નું જોખમ: અમેરિકા પાસે સિક્યુરિટી ગેરંટી માંગી
ગાઝા યુદ્ધ વચ્ચે પણ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવાની પ્રક્રિયાને કારણે પોતાની હત્યા થવાનો ભય સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને સતાવી રહ્યો છે. અમેરિકાની મધ્યસ્થિથી ઇઝરાયેલ અને સાઉદી વચ્ચે ચાલતી મંત્રણાઓ દરમિયાન તેમણે આ ભય વ્યક્ત કર્યો હોવાનું અમેરિકાના પોલિટિકલ ડિજિટલ ન્યુઝ પેપર પોલિટિકોના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
તેમાં જણાવ્યા મુજબ ઇઝરાયેલને સત્તાવાર માન્યતા આપવા અંગે ક્રાઉન પ્રિન્સ અને અમેરિકી સાંસદો વચ્ચે બેઠકો ચાલી રહી છે. નોંધનીય છે કે 1979 માં યુનાઇટેડ નેશનના પેલેસ્ટાઇન પાર્ટીશન પ્લાનના વિરોધમાં સાઉદી અરેબિયાએ મતદાન કર્યું હતું. સાઉદી એ હજુ સુધી ઈઝરાયેલને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી નથી.
જોકે મધ્ય પૂર્વના ભૌગો રાજકીય પરિબળોમાં પરિવર્તન આવ્યા બાદ બંને દેશો નજીક આવી રહ્યા હોવાના સંકેતો મળતા રહ્યા છે. બંને દેશો વચ્ચે સુલેહ કરાવવા માટે અમેરિકાની મધ્યસ્થી વડે 2023 થી દ્વિપક્ષીય મંત્રણાઓ શરૂ થઈ હતી. જોકે ઇઝરાયેલ સાથેના સંબંધો એ એક જટિલ મુદ્દો છે. તેનાથી પ્રિન્સ ને વ્યક્તિગત રીતે અને રાજકીય રીતે મોટું જોખમ સર્જાઈ શકે છે. ખુદ પ્રિન્સે અમેરિકી સાંસદો સાથેની ચર્ચા દરમિયાન પોતાના જાન ઉપર જોખમ હોવાનું જણાવ્યું હતું.તેમણે એ ચર્ચા દરમિયાન ઇજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખ અનવર સાદતનો કિસ્સો ટાંક્યો હતો જેમની ઇઝરાયેલ સાથે શાંતિ સમજૂતી કર્યા બાદ હત્યા થઈ હતી. ક્રાઉન પ્રિન્સે તેમના રક્ષણ માટે અમેરિકા કયા પગલાં લેશે તેઓ સવાલ કર્યો હતો.
સાઉદીએ અનેક શરતો મૂકી: મંત્રણાઓ ચાલુ પણ પરિણામ અંગે અનિશ્ચિતતા
સાઉદી પ્રિન્સે ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા માટે અમેરિકા સમક્ષ કેટલીક શરતો મૂકી છે તેમાં સિક્યુરિટી ગેરંટી, સિવિલિયન ન્યુક્લિયર પ્રોગ્રામમાં સહકાર અને સાઉદીમાં મોટેપાયે અમેરિકી આર્થિક રોકાણનો સમાવેશ થાય છે. બીજી તરફ બંને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલે છે પણ ગાઝા યુદ્ધને કારણે તેમાં પ્રગતિ અટકી ગઈ છે. મુસ્લિમ વિશ્વ ઇઝરાયેલને ધિક્કારે છે ત્યારે તેની સાથે સંબંધો સુધારવાનું ક્રાઉન પ્રિન્સને ભારે પડી શકે તેમ છે. તે ઉપરાંત નવેમ્બર માસમાં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પૂરી થાય અને નવા પ્રમુખ સત્તા સંભાળે ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં સંભાવના નથી તેવું આ અહેવાલમાં જણાવ્યું છે.