માર્કેટ યાર્ડમાં પેઢી શરૂ કરી કાળા-ધોળાનો કારોબાર !
આર્થિક ગુન્હા નિવારણ શાખાએ બેનંબરની ૨.૧૪ કરોડની રોકડ સાથે બેને પકડ્યા
વેપારીઓના પૈસા પોતાની પેઢીના બેન્ક ખાતાઓમાં જમા કરાવ્યા બાદ એક લાખે ૫૫૦નું કમિશન કાપી આપી દેતા’તા
ઈન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ
રાજકોટની આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા માર્કેટિંગ યાર્ડમાં પેઢી શરૂ કરી તેના મારફતે કાળા નાણાને સફેદ કરવાના કારોબારનો પર્દાફાશ કરી બે ભેજાબાજોને ૨.૧૪ કરોડની બેનંબરની માતબર રકમ સાથે પકડી લેવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુન્હા નિવારણ શાખાના પીઆઈ જે.એમ.કૈલા, પીએસઆઈ સી.બી.જાડેજા, એએસઆઈ આર.કે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મયુર પાલરિયા, ચેતનસિંહ ગોહિલ સહિતનાએ બાતમીના આધારે બેડી ચોકડીથી બેડી તરફ જતા રસ્તેથી એક્સયુવી ૩૦૦ કાર નં.જીજે૩એનકે-૩૫૦૨માંથી ૯૦ લાખની રોકડ સાથે મુળ ગોંડલના અનિડા ભાલોડી અને હાલ અંબિકા ટાઉનશિપ, અક્ષર એવન્યુ ફ્લેટ નં.૪૦૧માં રહેતા નિલેશ મનસુખભાઈ ભાલોડી (ઉ.વ.૪૩) અને તેના માણસ જયસુખ સુંદરજીભાઈ ફેફર (ઉ.વ.૨૫, રહે.અગાભી પીપળીયા-વાંકાનેર)ને પકડી પાડ્યા હતા.
પોલીસે પકડ્યા ત્યારે આ બન્ને કાર મારફતે મોરબી વેપારીઓને રોકડ પહોંચાડવા માટે જઈ રહ્યા હતા. આ પછી બન્નેની પૂછપરછ કરતા નાનામવા મેઈન રોડ ઉપર મારવાડી બિલ્ડિંગની બાજુમાં આવેલા નાઈન સ્કવેર બિલ્ડિંગના છઠ્ઠા માળે ઓફિસ નં.૬૦૮માં પણ રોકડ પડી હોવાની કબૂલાત આપતાં પોલીસે ત્યાં દરોડો પાડી વધુ રોકડ કબજે કરી કુલ રૂા.૨.૧૪ કરોડ પકડવામાં આવ્યા હતા. આ કારસ્તાનનો માસ્ટર માઈન્ડ નિલેશ ભાલોડી છે જે વેપારીઓના પૈસા પોતાની પેઢીના બેન્ક ખશતાઓમાં જમા કરાવ્યા બાદ તેને વ્હાઈટ મતલબ કે કાયદેસરના કરી દેતો હતો અને તેના બદલામાં તે એક લાખે ૫૫૦ રૂપિયાનું કમિશન મેળવતો હોવાનું ખુલ્યું છે. પોલીસે ૨.૧૪ કરોડની રોકડ ઉપરાંત કાર, મોબાઈલ મળી રૂા.૨,૨૨,૩૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેવી રીતે ચાલતું હતું કારસ્તાન
નિલેશ ભાલોડીએ ૧૫૦ ફૂટ રિંગરોડ પર હરિ ક્રિષ્ના આર્કેડમાં ૨૦૨૦માં ટીટેનીયમ એન્ટરપ્રાઈઝ નામે ઓફિસ શરૂ કરી હતી. આ પછી બીજી ઓફિસ ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર શિલ્ક રૂટ નામના બિલ્ડિંગમાં ૨૦૨૨માં ફ્લેવેરિયમ ટે્રડ નામે શરૂ કરી હતી. આ ઉપરાંત તેણે ઉપલેટા માર્કેટ યાર્ડમાં અલગ-અલગ દુકાનો ખરીદ કરી હતી. ઉપરોક્ત બન્ને પેઢીમાં ખેત પેદાશોના કમિશનથી લે-વેચ કરવાના નામે લાયસન્સ મેળવ્યું હતું. જો કે ત્યારબાદ ખેલ શરૂ કરીને જે વેપારીઓને અન્ય જગ્યાએથી પૈસા લેવાના થતા હોય તે પૈસા પોતાના બેન્ક ખાતામાં જમા કરાવતો અને તે પૈસા પોતે જ બેન્કમાંથી ઉપાડીને કમિશન મેળવી રોકડમાં પરત કરી આપતો હતો.
ઈન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ
આ અંગે પોલીસે જણાવ્યું કે ઉપરોક્ત પકડાયેલી રોકડ રકમ અંગે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ રોકડને લઈને અનેક પ્રકારના ખુલાસાઓ કરવામાં આવશે સાથે સાથે નિલેશને કાળા-ધોળા કરવા માટે પૈસા આપનારા વેપારીઓને પણ પોલીસનું તેડું આવી શકે છે.
એક વર્ષથી ગોરખધંધો ચાલી રહ્યો’તો
નિલેશ ભાલોડી છેલ્લા એક વર્ષથી કાળા-ધોળાનો કારોબાર કરતો હોવાનું પ્રારંભીક તપાસમાં ખુલ્યું છે. નિલેશ ભાલોડી આ કાંડનો મુખ્ય સૂત્રધાર છે જ્યારે જયસુખ સુંદરજીભાઈ ફેફર તેના માણસ તરીકે કામ કરતો હતો. કોઈ પણ વેપારી હોય જેને અન્ય રાજ્યમાંથી પૈસા લેવાના થતા હોય એટલે તે નિલેશનો સંપર્ક સાધતા હતા અને નિલેશ એ પૈસા પોતાના ખાતામાં જમા કરાવતો હતો. જો કે આ પૈસા તેણે ખેત પેદાશના વેચાણ બાદ મેળવ્યા હોવાનું દર્શાવતો હોવાનું પણ ખુલ્યું છે.