ચોમાસુ મુંબઈ-મહારાષ્ટ્રમાં પણ વહેલુ પહોંચ્યુ : વાવાઝોડા સાથે વરસાદ
મુંબઈમાં યલો એલર્ટ તો કોંકણમાં વરસાદનું રેડ એલર્ટ
ઝડપથી આગળ વધી રહ્યુ છે દક્ષિણ પશ્ચિમી ચોમાસુ
દક્ષિણ પશ્ચિમી ચોમાસુ કેરળની જેમ મુંબઈ-મહારાષ્ટ્રમાં પણ વહેલી પહોંચી ગયું છે. હવામાન ખાતાએ મુંબઈમાં ચોમાસુ ૧૧મી તારીખે પહોંચશે તેવી આગાહી કરી હતી પરંતુ આ ચોમાસુ બે દિવસ વહેલી એટલે કે. તા. ૮ના રોજ પહોંચી ગયું છે. અહી રાતથી શરુ થયેલો વરસાદ સવારે પણ ચાલુ રહ્યો હતો . ભારે પવન અને વીજળીના કડાકા વચ્ચે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકના સમયગાળામાં મુંબઈમાં 60 મીમીથી વધુનો વરસાદ ખાબકી પડ્યો હતો. સોમવારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે સાથોસાથ કોંકણમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન સરેરાશ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ અને પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD એ ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. IMD એ આગામી 2-3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને તેલંગાણામાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિની જાણ કરી છે.
દેશના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદના અહેવાલ છે. ભારે વરસાદ બાદ ગુવાહાટીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મનાલીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ચેન્નાઈ શહેરમાં પણ ભારે વરસાદ થયો હતો. જ્યારે કર્ણાટકના હુબલીમાં હળવો વરસાદ પડ્યો હતો.
મુંબઈ-અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફિક જામ
પહેલા વરસાદને કારણે કારણે મુંબઈ-અમદાવાદ હાઇવે પર બેહાલ સર્જાયા છે. થાણેના ઘોડબંદર રોડ નજીક તો ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી કરી હતી. વાહનચાલકો ચાર કલાકથી વધુ સમય સુધી પાણી ભરાઈ જવાને કારણે અટવાયાં હતાં. પ્રથમ વરસાદે 10 મિનિટની અંદર જ માટે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચાર કલાક માટે ટ્રાફિકને જામ કરી નાખ્યો હતો.