રાજકોટના અગ્નિકાંડે અનેક પરિવારોને છીન્નભિન્ન કરી નાખ્યા છે અને આ પરિવારો મહાનગરપાલિકા અને અન્ય સરકારી તંત્રની બેદરકારી સામે લાચારી અનુભવી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરીને આ ઘટનાને માનવસર્જિત દુર્ઘટના ગણાવી છે. આ મામલે ગુજરાતમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના અગ્નિકાંડ મામલે સુઓમોટોની જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી છે. સરકાર તરફથી બંને એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર રહ્યા હતા. રાજકોટ, અમદાવાદ, વડોદરા મનપાના વકીલો આ સમયે હાજર હતા. ત્યારે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે બીજી વખત સુનાવણી હાથ ધરવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની હાઇકોર્ટ ઝાટકણી કાઢી હતી. અને તંત્રને અનેક આકરા સવાલો કર્યા હતા. હાઇકોર્ટ તંત્રને આડા હાથે લેતા કહ્યું હતું કે અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી કોઈપણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ચાલતું હતું તો આરએમસી શું કરતું હતું ?? શું RMC ત્રણ વર્ષથી ઊંઘતું હતું ??
હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી..નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી. રાજકોટના આ અગ્નિકાંડે આખે ગુજરાત સહિત આખા દેશને હચમચાવી દીધુ છે.અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી, RMC ત્રણ વર્ષ શું ઊંઘતું હતું? આવા ગેમ ઝોન પોલીસના ધ્યાને હોવા છતાં ચાલે છે.
સરકારના એડીશનલ એડવોકેટે શું કહ્યું ?
અગ્નિકાંડ મામલે હાઇકોર્ટના વેધક સવાલો પર સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું હતું, કે સરકાર તાત્કાલિક પગલાં ભર્યા છે. અને રાજ્યના તમામ ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. સરકાર આ ઘટના બાબતે ખૂબ જ ગંભીર છે અને કોઈને છોડવામાં આવશે નહીં. છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. છ આરોપીઓ સામે FIR કરવામાં આવી છે અને બેની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી અને અનેક જિંદગીઓ બુઝાઈ ગઈ હતી. અનેક લોકો ગેમઝોનમાં લાગેલી આગમાં બળીને ખાખ થઇ ગયા છે તો અનેક લોકો હજુ પણ લાપતા છે ત્યારે હવે મૃતકોને ન્યાય મળશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે .
