મોખશોખ પૂરા કરવા બાઇક ચોરી કરનાર ત્રણ ઉઠાવગીર પકડાયા
150 ફૂટ રિંગ રોડ ઉપરથી તાલુકા અને નાકરાવાડી પાસેથી કુવાડવા પોલીસે ઝડપી લીધા
રાજકોટમાં ત્રણ સ્થળેથી બાઇક ચોરી કરનાર ત્રિપુટીને તાલુકા પોલીસ અને કુવાડવા પોલીસે ઝડપી લીધા છે. 150 ફૂટ રિંગરોડ પરથી સરધાર જુના સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા સંજય ભીમજીભાઇ મુંધવા અને લાખાપરના નિતીન અજીતભાઇ મકવાણાને ચોરાઉ બાઇક સાથે તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરા અને તેમની ટીમે ઝડપી લીધા હતા. તપાસમાં બંને શખ્સોએ મવડી ચોકડી પાસેથી અને શુભ હોટેલ પાસેથી સપ્તાહ પૂર્વે ચોરી કર્યાનું કબુલતાં આપી હતી. પકડાયેલ સંજય ડ્રાઇવીંગ કરે છે અને નિતીન છુટક મજૂરી કરે છે. બન્નેએ મોખશોખ પૂરા કરવા પૈસાની જરૂર પડતાં બે બાઇકની ચોરી કરી હતી. વેંચવા માટે ગ્રાહકોની શોધમાં હતાં તે પૂર્વે પોલીસે ઝડપી લીધા હતાં.
જ્યારે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર.રાઠોડ અને તેમની ટીમે નાકરાવાડીમાં રામાપીરના મંદિર પાસે રહેતા યશવંતસિંહ ઉર્ફ હસુ પદમસિંહ હેરમાને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો છે. બાઇક કુવાડવા રોડ અલ્કા પાર્કમાંથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. યશવંત અગાઉ અલગ અલગ છ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.