પુરવઠાનું સર્વર ઠપ્પ, રેશનકાર્ડ ધારકોને ધક્કા
રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક દુકાનોમાં ઘઉં, ચોખા અને ખાંડ ન પહોંચી હોવાની રાવ
ઓનલાઇનની ડંફાસો વચ્ચે રાજકોટ સહિત રાજ્યભરમાં પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ થઇ જતા કાળઝાળ ગરમીમાં રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનના ધરમ ધક્કા ખાવા પડતા હોવાની હકીકત સામે આવી છે.
છેલ્લા પાંચેક દિવસથી રાજ્યના પુરવઠા વિભાગનું સર્વર હાંફી ગયું હોવાથી સસ્તા અનાજની દુકાને માલ લેવા જતા નાગરિકોને કાળજાળ ગરમીમાં બબ્બે, ત્રણ ત્રણ કલાક સુધી દુકાન ખાતે બેસી અને પરત ફરવું પડે છે.બીજીતરફ રાજ્ય સરકાર સસ્તા આનાજની દુકાન ખાતે સમયસર જથ્થો પહોંચાડી શકતી નથી અને જથ્થો પહોંચે છે ત્યારે સર્વરના ધાંધિયા શરૂ થઈ જાય છે આ કારણે દુકાનદારો ભાઈઓને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને ગ્રાહકોના રોષનું ભોગ બનવું પડે છે.
વધુમાં સર્વરની માથાકૂટ દર મહિને હોય છે, મહિનાના છેલ્લા દિવસોમાં દુકાન ખાતે જથ્થો પહોંચવાના કારણે પણ સર્વર ઉપર લોડ પડતો હોય છે ચાલુ માસે ગુજરાતના હજુ પણ અનેક તાલુકામાં ખાંડ ચણાદાળ તેમજ અનેક તાલુકામાં ઘઉં અને ચોખા જેવી રેગ્યુલર જણસી પણ પહોંચી નથી જેના કારણે સસ્તા અનાજની દુકાન ખાતેથી વિતરણ શરૂ થયું નથી અને ગરીબ લોકોને દુકાનના ધક્કા થાય છે. આ સંજોગોમાં ઉનાળાની સીઝન અને ચૂંટણીના માહોલ વચ્ચે સરકારને તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ગરીબોની આ સમસ્યાનું કાયમી સમાધાન થાય એવા પગલાં ભરવા જોઈએ તેવી માંગણી ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી હિતુભા જાડેજા ઉઠાવવામાં આવી છે.
