રાજકોટ જિલ્લામાં કોરોના બાદ પ્રાકૃતિક ખેતી તરફ વળતાં ખેડૂતો
પ્રાકૃતિક ખેતી કરીને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન પ્રાપ્ત કરતાં ખેડૂતો: રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો ન હોય સ્વાસ્થ્યવર્ધક ખેત પેદાશોની માંગ વધી
કોરોનાની ભયંકર બીમારીએ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કર્યા હતા. જેના કારણે લોકો પણ હવે ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજોથી દૂર રહેવા માંગે છે. તો બીજી તરફ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરોને કારણે પણ અનેક ગંભીર પ્રકારની બીમારીઓ થતી હોય હવે લોકો પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થતાં શાકભાજી-ફળની ખરીદી કરી રહ્યા છે. તેના કારણે હવે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં જ ૧૫ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે.
હાલમાં ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે લોકોના આરોગ્ય, પર્યાવરણ સામે પણ ખતરો ઉભો થયો છે. કેન્સર જેવી બિમારોનું પ્રમાણ વધ્યું હોવાનું પણ એક તારણ છે. તો બીજી તરફ જમીનની ગુણવત્તામાં પણ ઘટાડો થતો હોય છે. તેવામાં પ્રાકૃતિક ખેતીમાં જમીન અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર પ્રકૃતિના સિદ્ધાંતો આધારિત ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયના ગોબર અને ગૌ મૂત્રનો ઉપયોગ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે. જેને કારણે મોંઘાભાવે બજારમાંથી ખરીદી કરતાં ખાતરનો ખર્ચ બચે છે અને ખેડૂતોને ચોખ્ખો નફો થાય છે. જ્યારે બિયારણ પણ ખેતરમાંથી જ મળી રહે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક ખેતી અંગે છેલ્લા કેટલાક વર્ષોથી મિશન મોડમાં કામગીરી કરી રહ્યા છે અને અનેકવાર પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અંગે આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર એમ.બી.નસિતે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે પાકમાં પોષકતત્વોની ખામી સર્જાય છે. હાલના પાક પહેલા જેવા રહ્યા નથી. પેસ્ટીસાઇડ, ફર્ટિલાઇઝરના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર પ્રકારની બિમારોનું પ્રમાણ વધ્યું છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં રસાયણનો ઉપયોગ કરવામાં આવતો ન હોય આવી બીમારીઓ અટકે છે.
હાલમાં રાજકોટ જિલ્લામાં છેલ્લા ૪ વર્ષમા જ ૨૩ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત પાકોમાં ભરપૂર પોષણતત્વ હોય છે. આજના સમયમાં છાસવારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના સમાચારો સામે આવતા હોય છે ત્યારે લોકો પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતા શાકભાજી, ફળ ખરીદતા થયા છે. ખેડૂતો પણ પોતાના ખેતરની બહાર જ સ્ટોલ ઊભા કરીને તેનું વેંચાણ કરે છે. જેને કારણે એમને દૂર શહેરોમાં જવું પડતું નથી. આમ ખાતરનો ખર્ચ, ટ્રાન્સપોટેશન ખર્ચ વગેરે શૂન્ય બને છે અને ખેડૂતનો ચોખ્ખો નફો થતો હોવાને કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
બીજી તરફ જિલ્લામાં અવાર-નવાર ગ્રામ સેવક-વિસ્તરણ અધિકારી અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા ૩ હજાર તાલીમ કેમ્પો યોજાયા છે અને અંદાજે ૧ લાખથી વધુ ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા છે.
કોરોના બાદ છેલ્લા ૪ વર્ષમાં ૨૩ હજાર ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી
રાજકોટ જિલ્લામાં હજારો ખેડૂતો રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. છેલ્લા ૪ વર્ષમાં જ જિલ્લાના ૨૩ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત પોતાના જ ખેતરમાં ખાતર બનાવી શકતો હોય ખર્ચ ઘટે છે અને નફો પણ વધે છે. રાસાયણિક ખાતરો મોંઘા હોવાથી ખેડૂતો પર આર્થિક ભારણ વધતું હોય છે ત્યારે જિલ્લાના ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
