બિહારમાં શું રાજકીય ખિચડી પાકી રહી છે ? જુઓ
- કોણ એનડીએમાં જઈ શકે છે ?
લોકસભાની ચુંટણી નિકટ આવી રહી છે ત્યારે રાજકીય ઉથલપાથલની મોસમ પણ હવે ધીમે ધીમે ખીલી રહી છે. ખાસ કરીને બિહારમાં મોટી નવાજૂની થવાના ભણકારા વાગી રહ્યા છે અને આ દિશામાં રાજકીય કવાયત શરૂ થઈ ગઈ છે. પાટલી બદલાવવા માટે ખૂબ જ જાણીતા બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર ફરી પાછા રાજકીય અસ્તિત્વ બચાવવા માટે એનડીએના શરણે જઈ શકે છે તેવા સંકેતો નવા ઘટનાક્રમને પગલે મળી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ બિહારના મુદ્દે અમિત શાહ અને જે પી નડા સાથે મહત્વની ચર્ચા કરી હતી તો બીજી બાજુ બિહારના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને ભાજપના સાંસદ સુશીલ મોદીએ મીડિયા સમક્ષ એમ કહ્યું હતું કે જો નીતિશ પાછા એનડીએમાં આવતા હોય તો બિહાર ભાજપ એકમને કોઈ વાંધો નથી.
આ પહેલા નીતિશકુમાર રાજ્યપાલને પણ મળવા ગયા હતા અને ત્યારથી જ ચર્ચા અને અનુમાનો થઈ રહ્યા હતા કે નીતિશ ફરી એનડીએમાં જઈ શકે છે. રાજદ સાથે એમના મતભેદો વધી રહ્યા છે અને લાલુના સુપુત્રી રોહિણીએ પણ નીતિશ વિષે એક પોસ્ટ મૂકીને વિવાદ વધુ ચગાવી દીધો હતો. તેણે લખ્યું હતું કે નીતિશ હવાની જેમ વિચારધારા બદલે છે.
એ જ રીતે પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝીએ પણ એમ કહ્યું છે કે નીતિશકુમાર પાછા એનડીએ સાથે હાથ મિલાવી શકે છે. બિહાર એક નવા પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. આમ આગામી દિવસોમાં બિહારમાં મોટી રાજકીય નવાજૂની થવા જઈ રહી છે તે નિશ્ચિત માનવામાં આવે છે.
