પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી થાણાઓ ઉપર ઈરાનની એર સ્ટ્રાઈક
- પરિણામ ભોગવવા તૈયાર રહેવાની પાકિસ્તાનની ખોખલી ચેતવણી
- સુની મુસ્લિમ આતંકી જૂથના બે વડા મથક તબાહ
ઈરાને મંગળવારે પાકિસ્તાન સરહદ નજીક આવેલ કોહ – એ – સબ્ઝ ( ગ્રીન માઉન્ટેન) પ્રાંતના પાંજગુરુમાં
મિસાઈલ અને ડ્રોન વડે ભીષણ હુમલા કરી મુસ્લિમ આતંકવાદી સંગઠન જૈશ અલ અદલ ના બે મુખ્ય થાણાઓ નષ્ટ કરી નાખ્યા હતા. આ હુમલામાં આઠ અને 12 વર્ષની બે બાળાઓના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ત્રણ યુવતીઓ ઘાયલ થઈ હતી. ઈરાને કરેલા આ અસાધારણ હુમલાને પગલે પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું હતું અને તેણે ઇરાનને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. નોંધનીય છે કે આ ઘટનાના આગલે દિવસે જ ઈરાને ઈરાક અને સીરિયા ઉપર પણ એર સ્ટ્રાઈક કરી હતી. ઈરાનના આક્રમક અને લડાયક વલણને કારણે મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં માહોલ તંગ બન્યો છે.
હુમલા નો ભોગ બનેલ જૈશ અલ અદલના જણાવ્યા અનુસાર ઇરાને છ ડ્રોન અને સંખ્યાબંધ રોકેટો વડે એટેક કર્યા હતા. એ હુમલા એ સંગઠનના મથકો ઉપર નહીં પણ લડાકુઓના બાળકો અને પરિવારજનોના બે મકાનો ઉપર કરવામાં આવ્યા હોવાનો એ સંગઠનને દાવો કર્યો હતો. બીજી તરફ ઈરાને આતંકીઓના બંને થાણા જમીનદોસ્ત કરી દીધા હોવાની જાહેરાત કરી હતી.
આ ઘટનાને પાકિસ્તાને કોઈપણ જાતની ઉશ્કેરની વગર પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન અને પાકિસ્તાનના સાર્વભૌમત્વ પરના હુમલા સમાન ગણાવી ગંભીર પરિણામોની ચીમકી આપી હતી. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંવાદના અનેક રસ્તા ખુલ્લા હોવા છતાં ઈરાને કરેલા આ હુમલાના પાકિસ્તાનમાં ઘેરા પડઘા પડ્યા હતા.
શું છે આતંકવાદી સંગઠન જૈશ અલ અદલ?
પાકિસ્તાન અને ઈરાન 959 કિલોમીટરની સરહદ ધરાવે છે. તેમાં મોટો ભાગ નો વિસ્તાર ઈરાનના સીસ્ટાન અને બલુચિસ્તાન પ્રાંતનો છે. શિયા મુસ્લિમોની બહુમતી ધરાવતા ઈરાનના મોટાભાગના સુન્ની મુસ્લિમો એ પ્રાંતમાં રહે છે અને એ બધા શિયા મુસ્લિમોની જોહુકમિનો ભોગ બનતા રહે છે. સિસ્ટાન અને બલુચિસ્તાનને ઈરાનમાંથી આઝાદ કરાવવાના લક્ષ્ય સાથે 2012માં સુન્ની મુસ્લિમોએ જૈશ અલ અદલ ( આર્મી ઓફ જસ્ટિસ ) ની સ્થાપના કરી હતી. એ સંગઠનના આતંકીઓ દ્વારા છાશવારે ઈરાનમાં ઘુસી અને હુમલાઓ કરવામાં આવે છે. ગયા મહિને જ એ આતંકીઓએ ઈરાનના પોલીસ સ્ટેશન ઉપર કરેલા હુમલામાં ઈરાનના 11 સૈનિકો અને અધિકારીઓ માર્યા આ ગયા હતા.