રાજકોટમાં વકીલો દ્વારા ટેબલનો `કબજો બળવાન’
કમિટી નક્કી કરે તે પૂર્વે જ વકીલોએ પોતાની રીતે ટેબલ ગોઠવી દેતા સિનિયર અને જુનિયર વકીલો વચ્ચે ધમાલ
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે જે ડિસ્ટ્રીકટ કોર્ટનું ઉદ્દઘાટન કર્યું અને રાજકોટની આ નવી કોર્ટને દેશની અન્ય કોર્ટના મોડેલ તરીકે ગણાવી તે નવી કોર્ટની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ કોર્ટ સંકૂલમાં ટેબલ મૂકવા બાબતે ધમાલ મચી ગઈ અને પોલીસને બોલાવી પડી હતી. ચીફ જસ્ટિસે જેના વખાણ કર્યા તે કોર્ટના ઉદ્ઘાટનના ત્રીજા દિવસે બનેલી શરમ જનક ઘટનાથી વકીલ મંડળમાં ભારે ચર્ચા જાગી છે. નવા કોર્ટ બિલ્ડિગમાં બી વિગમાં ગ્રાઉન્ડ લોર ઉપર વકીલોએ સ્વયંભૂ ટેબલો ગોઠવવાનું ચાલુ કરી દેતા વિવાદ ઊભો થયો હતો. સોમવારે સાંજ થી કોર્ટ સંકૂલમાં વકીલોના ટેબલ ગોઠવવા બાબતે ચાલતા વિવાદે મોડી સાંજે ધમાલનું સ્વરૂપ લઈ લીધું. ટેબલ ગોઠવવા બાબતે સિનિયર અને જુનિયર વકીલો અને તેના સમર્થકોના ટોળા કોર્ટમાં ધસી આવ્યા હતા અને જેમને જયાં મન પડે ત્યાં ટેબલો ગોઠવી દીધા હતાં.આ ઘટનાથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની ડિસ્ટ્રીકટ જજને જાણ થતાં તાત્કાલીક નવી કોર્ટમાં પોલીસ બોલાવવી પડી હતી. ત્યારબાદ મામલો કાબુમાં આવ્યો હતો. ડિસ્ટ્રીકટ જજ દ્વારા બાર એસો.ના હોદ્દેદારો સાથે તાત્કાલિક એક બેઠક યોજી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી, જેમાં યોગ્ય રીતે વ્યવસ્થા ગોઠવાય તે માટે બાર એસોસિએશનના પાંચ હોદ્દેદારો તેમજ પાંચ સિનિયર જજી તેમજ અન્ય સિનિયર વકીલોની કમિટીની રચના કરવામાં આવી હતી. તેમજ જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં વકીલોના રાખવામાં આવેલા ટેબલોની વિડીયોગ્રાફી પણ કરી લેવાઈ હતી અને તે મુજબ ટેબલો ગોઠવવાનું નક્કી થયું હતું. પરંતુ આ કમિટી પોતાની કામગીરી કરે તે પહેલા જ સોમવાર સવારથી નવા કોર્ટ બિલ્ડીંગમાં વકીલોએ ટેબલ ગોઠવી દીધા હતા. નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદ્દઘાટન થયા બાદ પ્રાથમિક ધોરણે એવુ નક્કી થયુ હતું હતું કે જુની કોર્ટના જુદા-જુદા બિલ્ડીંગમાં જે વકીલોના ટેબલ છે તેમની સંપૂર્ણ યાદી કરી બાર એસો. અને કોર્ટે મેનેજર સાથે મળી નવી વ્યવસ્થા ગોઠવશે. જેમાં તમામ જૂના વકીલોને તેમના ટેબલ જરૂરીયાત મુજબ ગોઠવાઇ જશે.
ત્યારબાદ યાદીના બાકી રહેતા વકીલોના ટેબલ માટે વધારાની જગ્યા ફાળવવામાં આવશે. પરંતુ સોમવારે સમજૂતી મુજબની વ્યવસ્થાને બદલે વકીલોએ મનસ્વી રીતે પોતના મેળે જ્યાં જગ્યા મળી ત્યાં ટેબલ ગોઠવી નાખ્યા હતા જેથી ૫ વર્ષ થી ઓછા સમયથી પ્રેક્ટિસ કરતાં જુનિયર વકીલોને ટેબલ રખવા જગ્યા મળી નહિ. જથી જુનીયર વકીલોમાં ભારે ધમાલ મચી ગઈ હતી. કોર્ટમાં સારી જગ્યા કબ્જે કરવા માટે વકીલોએ તેમના સમર્થકોને કોર્ટમાં બોલાવતા કોર્ટમાં થોડીવાર માટે ધમાલ મચી ગઇ હતી. આથી પોલીસ બોલાવવી પડી હતી. અંદાજે ૧૦૦થી વધુ વકીલો વચ્ચે આ માથાકૂટ બાદ ડિસ્ટ્રીકટ જજ તથા વર્તમાન બાર એસોસીએશન અને સિનિયર વકીલો સાથે મિટિગ બોલાવી હતી જેમાં ટુંક સમયમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા નક્કી થયું હતું.
ટેબલ ગોઠવણી બાબતે જનરલ બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે: બકુલ રાજાણી
ટેબલ ગોઠવવા બાબતે ઊભા થયેલા વિવાદ અંગે બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલ જજ દ્રારા વકીલોને યોગ્ય રીતે જગ્યા મળી રહે તે માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. અને તેના માટે એક જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે આ જનરલ બોર્ડમાં કોને અને કેટલી ટેબલ માટે જગ્યા ફાળવવી તેનો નિર્ણય લેવામાં આવશે. વકીલોને કોઈને જાણ કે મંજૂરી લીધા વિના તેમની જાતે જગ્યા મેળવવાનું ચાલુ કરી દેતા આવી વ્યવસ્થા સર્જાઈ હતી.નવા કોર્ટ બિલ્ડિગમાં વકીલોના ટેબલો માટે વિશાળ જગ્યા છે ત્યારે વકીલોએ ઉતાવળ કરવાની જરૂર નથી. દરેકને યોગ્ય જગ્યા મળી રહે તે માટે જનરલ બોર્ડમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે.
