પુત્ર સાથે આવી હરકત કરતાં મા નો જીવ કેમ ચાલ્યો હશે ?, વાંચો શું કર્યું
- ગોવામાં 4 વર્ષના પુત્રનું મર્ડર કરીને લાશ બેગમાં લઈ જતી મહિલા CEO ઝડપાઈ
- છૂટાછેડા બાદ પતિને પુત્ર સાથે મળવા નહોતો દેવો એટલે હત્યા કરી
માવતર કોઈ દી કમાવતર ન થાય પરંતુ બેંગ્લુરુની 39 વર્ષની મહિલાએ આ કહેવત ખોટી સાબિત કરી છે અને સગી જનેતા ઉઠીને 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી છે. બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપનીની મહિલા CEO સૂચના સેઠે ગોવાની હોટલમાં 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી હતી પછી લાશને બેગમાં પેક કરીને ટેક્સી દ્વારા બેંગલુરુ પહોંચી હતી. ગોવા પોલીસના એલર્ટ બાદ કર્ણાટક પોલીસે તેને પુત્રની લાશ સાથે ઝડપી પાડી હતી.

સૂચના તેના 4 વર્ષના પુત્ર સાથે 6 જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બનિયાન ગ્રાન્ડ હોટેલમાં આવી હતી અને બે દિવસ રહ્યાં બાદ 8 જાન્યુઆરીએ તે હોટલમાંથી નીકળી હતી એટલે સૂચના ખાસ પુત્રનું મર્ડર કરવા માટે જ ગોવા આવી હતી.
સુચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી તેનું કારણ પોલીસે જણાવ્યું નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે તેણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને બાળકની કસ્ટડી પોતાને મળી હતી. તેનો આ પૂર્વ પતિ ઈન્ડોનેશિયામાં રહેતો હતો અને તે પતિને પુત્ર સાથે મળવા દેવા માગતી નહોતી એટલે તેણે હત્યા કરી નાખી હતી.
સૂચના સેઠ નામની આ મહિલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીની CEO છે. મહિલાના લગ્ન વર્ષ 2010માં જ થયા હતા અને વર્ષ 2019માં તેમને એક પુત્રનો જન્મ થયો હતો. સાથે જ જાણવા મળ્યું છે કે મહિલાનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે બંને કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી. આખરે કોર્ટે બંનેના છૂટાછેડા સ્વીકારી લીધા હતા. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલાના પતિ રવિવારે તેમના બાળકને મળી શકે છે, પરંતુ મહિલાને કોર્ટનો આ આદેશ પસંદ આવ્યો ન હતો. એટલા માટે મહિલા ગોવા આવી અને તેનો પતિ દીકરાને મળી ન શકે એટલા માટે દીકરાની હત્યા કરી હોવાનું કહેવાય રહ્યું છે.
હોટલનો સ્ટાફ જ્યારે સફાઈ માટે આવ્યો ત્યારે રુમમાં લોહીના ડાઘ જોઈને હોટલ મેનેજમેન્ટને જાણ કરી હતી અને પછી ગોવા પોલીસને બોલાવાઈ હતી. સીસીટીવી ચેક કરતા પોલીસને મહિલા તેના પુત્ર સાથે હોટલમાં આવતી જોવા મળી હતી પરંતુ 8 જાન્યુઆરીએ તે બહાર નીકળી ત્યારે એકલી હતી અને તેના હાથમાં બેગ હતી. આ વાતને કારણે જ પોલીસનો શક ગહેરાયો હતો.
બેગમાં પુત્રની લાશ લઈને નીકળેલી સૂચનાએ બહાર આવીને ટેક્સીમાં જ બેંગ્લુરુ જવાનો આગ્રહ રાખ્યો હતો. સ્ટાફે મહિલાને કહ્યું કે 600 કિમી દૂર 12 કલાકના પ્રવાસને બદલે ફ્લાઈટમાં જવું સારુ પરંતુ સૂચનાએ ના પાડી હતી અને બેંગ્લુરુ જવા ટેક્સી જ પકડી. કારણ કે તેની સાથે બેગમાં પુત્રની લાશ હતી.
સીસીટીવી ફૂટેજને આધારે શંકા પડતાં પોલીસે કેબ ડ્રાઈવરને ટ્રેસ કર્યો હતો અને તેની સાથે તેની કોંકણી ભાષામાં વાત કરી હતી. સૂચના આ ભાષા સમજી શકી નહોતી. અને ત્યારે પોલીસે ડ્રાઈવર પાસે કેબમાં પોલીસ સ્ટેશનમાં લેવડાવી અને જ્યાં તેનો લગેજ ચેક કરતાં તેમાંથી પુત્રની ડેડબોડી મળી આવી હતી.
