મોરબી પાસે નવલખી રોડ ઉપર હિટ એન્ડ રન: પિતા અને બે સંતાનોના મોત
બર્થડે પાર્ટીમાંથી પરત આવતા પરપ્રાંતીય પરિવારના પાંચ સભ્યોને અડફેટે લઈ વાહન ચાલક ફરાર
મહિલા અને પુત્રીને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા
માળીયા મિયાણા નજીક નવલખી રોડ પર બનેલા હિટ એન્ડ રનના બનાવમાં મોટરસાઇકલ ઉપર બર્થડે પાર્ટીમાંથી પરત આવી રહેલા પરપ્રાંતીય પરિવારના પાંચ સભ્યોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા પિતા અને પુત્ર-પુત્રીના મોત થયા હતા. જ્યારે તેની મહિલાનો હાથ કપાઇ ગયો હતો તેમજ ચાર વર્ષની પુત્રીને ઇજા થતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા અને પાણીપુરીની રેકડી ચલાવતો મુળ મધ્યપ્રદેશનો કલ્પેશ ઉર્ફ ધર્મેન્દ્ર શરૂભાઇ કુશવાહા (ઉ.વ.૩૫) વવાણીયા ગામે રહેતાં તેના કૌટુંબિક સગાની પુત્રીનો જન્મદિવસ હોઇ બર્થડે પાર્ટીમાં પરિવાર સાથે ગયો હતો અને બાઇકમાં પત્નિ લક્ષ્મી (ઉ.વ.૩૦), બે પુત્રી ખુશી (ઉ.વ.૪), પરી (ઉ.વ.૩) અને પુત્ર શુભમ્ (ઉ.વ.૨)ને બેસાડી પાંચ સવારીમાં પરત આવતો હતો.
ત્યારે રસ્તામાં નવલખી રોડ પર મોટા દહીસરા પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યા વાહને પાંચેયને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં કલ્પેશ સાથે પુત્રી પરી અને પુત્ર શુભમના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે પત્નિ લક્ષ્મીનો ડાબો હાથ ખભા પાસેથી કપાઇ ગયો હતો તેમજ બીજી પુત્રી ખુશીને પણ ગંભીર ઇજા થતાં માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા. પરિવારજના ત્રણ સભ્યોના અકાળે મોત થી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટનામાં પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
