હીટ ફિલ્મ ધૂમના ડાયરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન
સવારે વોકિંગ માટે નીકળ્યા ત્યારે છાતીમાં દુખાવો થયો, બોલિવૂડમાં શોકનો માહોલ
બોલીવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય ગઢવીનું સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગુજરાતના રહેવાસી સંજય ગઢવી 57 વર્ષના હતા. તેમણે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે જયારે તે લોખંડવાલા બેકરોડમાં વોકિંગ કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે પરસેવાથી તરબોળ થઈ ગયા હતા.
આ પછી સંજય ગઢવીને તાકીદે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા. સંજયે ધૂમ ફિલ્મની સીરિઝથી વધુ લોકપ્રિયતા મેળવી હતી.
એમના નિધનથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયું છે. સંજય ગઢવીને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ જ્યાં ફરવા ગયા હતા ત્યાંથી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટર હતું. તેમનાં નિધન બાદ બોલીવૂડના ઘણાં જાણીતા સેલેબ્સ સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
સંજય ગઢવીએ બોલીવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. માહિતી મુજબ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. સંજય ગઢવીએ ‘ધૂમ’ અને ‘ધૂમ 2’નું ડાયરેકશન કર્યું હતું. તેમણે ‘તેરે લિયે’, ‘કિડનેપ’, ‘મેરે યાર કી શાદી હૈ’, ‘ઓપરેશન પરિંદે’ અને ‘અજબ ગજબ લવ’ જેવી શાનદાર ફિલ્મોનું પણ ડાયરેકશન કર્યું હતું.
