રાજકોટ ડી.આઈ.એલ.આર. ગાંભવા સહીત 25 ની બદલી
રાજ્યના 65 સિનિયર સર્વેયરોની મહેસૂલ વિભાગ દ્વારા બઢતી
રાજકોટ જિલ્લા નિરીક્ષક જમીન દફતરમાં દેવભૂમિ દ્વારકાના એન.કે. પટેલની નિમણુક: જયારે ભાવેશ ગાંભવાની ઊંઝા ખાતે બદલી
જૂનાગઢ ખાતે ફરજ બજાવતા એ.આર. દેવગડા ની રાજકોટમાં નિમણુંક: જેતપુર, અમરેલી, દ્વારકાના અધિકારીઓ બદલાયા
રાજકોટ સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં લાંબા સમયથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા જિલ્લા નિરીક્ષક જમીન દફતર ( વર્ગ -2 ) ના અધિકારીઓની મહેસૂલ વિભાગ દ્વારા સાગમટે બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. જેમાં સિનિયર સર્વેયર ( વર્ગ – 3 ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓની જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ – 2 તરીકે બઢતી સાથે બદલીઓ કરવામાં આવી છે. દરમ્યાન રાજકોટના ડી.આઈ.એલ.આર. ભાવેશ ગાંભવાની ઊંઝા ખાતે સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યા ઉપર દેવભૂમિ દ્વારકાથી એન.કે. પટેલને જિલ્લા નિરીક્ષક જમીન દફતર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ખાતે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાં ફરજ બજાવતા અને અગાઉ રાજકોટ ફરજ બજાવી ગયેલા અધિકારી એ.આર દેવગડાને સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ કચેરી નં. 1 માં ( રાજકોટ પશ્ચિમ ) મુકવામાં આવ્યા છે. અતુલભાઈ દેવગડા તેમના મિલનસાર સ્વભાવ થી લોકો માં પરિચિત છે અને ફરજ નિષ્ઠ અધિકારી તરીકેની ઇમેજ ધરાવે છે ત્યારે તેમની નિમણુંકથી કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાય છે. આ ઉપરાંત સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ( નં. 3 ) ના જે.વી. ડાભીને ભાવનગર ખાતે હક્ક ચોક્સી અધિકારી - 4 તરીકે નિમણુક આપવામાં આવી છે. રાજ્યના મેહસૂલ વિભાગ દ્વારા 65 જેટલાં સિનિયર સર્વેયર
( વર્ગ – 3 ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓને જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ – 2 તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટની જિલ્લા જમીન દફ્તર કચેરીના એચ.એસ ભુવાને ગોંડલમાં સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ તરીકે, વી.વી. ઠુંમરને હક્ક ચોકસી અધિકારી તરીકે જામનગર, જામનગરના કે.એન. ગઢીયાને ઉપલેટા ખાતે, જામનગરના એસ.એસ. ભોચીયાને કેશોદમાં, ખંભાળિયાના આઈ.બી. પટેલને સુરત, જામનગરના ડી.એ. પરમારને દ્વારકા, સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ એ.એમ. સોજીત્રાને ઉપલેટાથી ખંભાળિયામાં નિમણુક આપવામાં આવી છે. જયારે રાજ્યના 25 જેટલાં જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા જિલ્લા નિરીક્ષક જમીન દફતર ( વર્ગ – 2 ) સંવર્ગ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરી તાત્કાલિક અસરથી નિમણુક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. દરમ્યાન રાજકોટ સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ બી.બી. મોરી ને હક્ક ચોકસી અધિકારી અડાજણ – 1, તેમજ અમરેલીના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કે.વી. દોશીને સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ભુજ ખાતે વર્ગ – 2 તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે રાજકોટ જિલ્લા નિરીક્ષક જમીન દફતર ભાવેશ ગાંભવાની ટૂંકા ગાળામાં બદલી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં છે.
